ગાંધીનગરના ચરેડી ચાલતાં જુગારધામ પર દરોડા, પાંચ જુગારી ૧૮ હજારની રોકડ સાથે ઝડપાયા
ગાંધીનગરના ચરેડી છાપરામાં ચાલતાં જુગાર ધામ ઉપર પોલીસે દરોડો પાડીને જુગારની બાઝી માંડીને બેઠેલા પાંચ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી ૧૮ હજારની રોકડ તેમજ જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના ચરેડી છાપરામાં તાડીનું વેચાણ કરીને નશાનો કારોબાર ચલાવવામાં આવતો હોવાનું જગ જાહેર છે. અત્રેના વિસ્તારમાં તાડીનો નશો કરવા યુવાધન આંટાફેરા કરતાં રહે છે.
એમાં અહીં ખુલ્લેઆમ જુગારની પ્રવૃતિ પણ ફૂલીફાલી હોવાની બાતમી મળતાં સેકટર – ૨૧ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો. જ્યાં પાંચ ઈસમો જુગારની બાઝી માંડીને બેઠેલા નજરે પડ્યા હતા. જેમને કોર્ડન કરીને પોલીસે જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી તમામની પૂછતાંછ હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે જુગાર રમતાં ઈસમોએ પોતાના નામ પુનમભાઈ ભીખાભાઇ વણઝારા, સલીમ હબીબભાઈ પઠાણ,, વિજયભાઇ ચમનભાઇ દંતાણી, અજયભાઇ પુનમભાઈ પટણી તેમજ નદીમ ઇસેખાન રહીમખાન પઠાણ હોવાની કબૂલાત કરી હતી.
બાદમાં પોલીસે પાંચેયની અંગ ઝડતી અને દાવ પરથી ૧૮ હજારની રોકડ તેમજ જુગાર રમવાનું સાહિત્ય જપ્ત કરી તમામની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચરેડી છાપરામાં તાડીના વેચાણની ગેરકાયદેસર પ્રવૃતિઓએ માઝા મૂકી દીધી છે. જેનાં કારણે યુવાધન તાડીના રવાડે ચડી નશાનાં બંધાણી થઈ રહ્યા છે જાે કે પોલીસ અહીં છાશવારે રેડ કરતી રહે છે. અને પણ કાયદાની છટક બારીના કારણે નશામાં કારોબારીઓ બેફામ બની ગયા છે. ત્યારે અહીં ચાલતી નશા યુક્ત તાડીના વેચાણની પ્રવર્તી સદંતર બંધ કરાવવાની પણ સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
Recent Comments