fbpx
ગુજરાત

ગાંધીનગરના ચીલોડા પોલીસે ચંદ્રાલાથી બસમાંથી ૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ગાંધીનગરનાં ચંદ્રાલા આગમન હોટલની સામે ચીલોડા પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન લકઝરી બસની ડેકીમાંથી પાર્સલોની આડમાં લઈ જવાતો રૂ. ૧ લાખની કિંમતનો વિદેશી દારૃ ઝડપી પાડવામાં આવ્યો છે. નવાઈની વાત છે કે બુટલેગરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે પ્લાયવુડની ફોટો ફ્રેમ્સમાં ૩૨૫ દારૂની બોટલો સંતાડી રાખેલી હતી. જાે કે પોલીસે બુટલેગરોનો આ નવી કીમિયો પણ નાકામયાબ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિદેશી દારૂની હેરફેર માટે બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે નિત નવા પેતરા અજમાતા રહે છે.

આ વખતે બુટલેગરોએ વિદેશી દારૂની હેરફેર માટે અપનાવેલ નવો કીમિયો પણ નાં કામિયાબ રહ્યો છે. ગાંધીનગરનાં ચીલોડા હિઁમતનગર હાઇવે રોડ પરથી પસાર થતા વાહનોનું સઘન ચેકીંગ માટે ચંદ્રાલા આગમન હોટલ સામે નાકા પોઈન્ટ ઉપર પીઆઈ એ એસ અસારી સહિતનો સ્ટાફ કાર્યરત હતો. તે દરમ્યાન હિંમતનગર તરફથી પટેલ ગુડૂ ટ્રાવેલ્સની લકઝરી બસને ઈશારો કરીને રોકી દેવાઈ હતી. બાદમાં ડ્રાઈવર કંડકટરને સાથે રાખી બસના મુસાફરોનો સામાન ચેક કરવામાં આવ્યો હતો. જાે કે મુસાફરોના સામાનમાંથી કોઈ સંદિગ્ધ ચીજ વસ્તુ મળી આવી ન હતી. આથી પોલીસે બસની પાછળ સામાન મૂકવાની ડેકીની તલાશી લીધી હતી. જ્યાં પ્લાયવુડના ફોટો ફ્રેમ રાખેલા કુલ ૩૭ બોક્સ મળી આવ્યા હતા.

જે બાબતે પૂછતાંછ કરતાં ડ્રાઈવર કંડકટરે જણાવ્યું હતું કે, ઉક્ત પાર્સલો નાથદ્વારા રાજસ્થાન હાઇવે રોડ ઉપરથી લોકેશ બાબુલાલજી કોઇવાલે (રહે,પોટલા તા.ગંગાપુર જી.ભીલવાડા રાજસ્થાન) મોકલ્યા છે. જેને અમદાવાદ ખાતે લઈ જવાના હતા. ત્યાં પહોંચતા લોકેશનો માણસ આવીને પાર્સલો લઈ જવાનો હતો. જાે કે પોલીસને શંકા જતાં બોક્સ ખોલીને તપાસ કરતાં ફોટો ફ્રેમ્સમાં વિદેશી દારૂની કુલ ૩૨૫ બોટલો સંતાડી રાખેલી મળી આવી હતી. જેનાં પગલે પોલીસે એક લાખની કિંમતની વિદેશી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કરી બિલવારા જિલ્લાના લોકેશ કોઇવાલ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts