ગુજરાત

ગાંધીનગરના ડભોડા ખાતે જુગાર રમી રહેલા આઠ શખ્સો ૨૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

ગાંધીનગરનાં ડભોડા ગામના સધીમાતાનાં મંદિર નજીક ખુલ્લામાં ચાલતાં જુગાર ધામ ઉપર પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને આઠ જુગારીને ૨૫ હજાર જેટલી રોકડ તેમજ જુગારનાં સાહિત્ય સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટના આ પ્રકારે છે.. ગાંધીનગર ડભોડા પોલીસ મથકની હદમાં ગેરકાયદેસર દારૂ જુગારની પ્રવૃતિઓ ઉપર બાઝ નજર રાખવા પીએસઆઇ એમ.એસ. રાણા દ્વારા સ્ટાફના માણસોને સઘન પેટ્રોલીંગ હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે ડભોડા પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, ડભોડા સધીમાતાના વાસ ખાતે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગારની બાજી માંડીને બેઠેલા છે.

જેનાં પગલે પોલીસ ટીમે થોડેક દૂર વાહન ઊભું રાખીને ચાલતાં ચાલતાં બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી. જ્યાં કેટલાક ઈસમો કુંડાળું વળીને જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન પોલીસની રેડ પડી હોવાનો ખ્યાલ આવી જતાં જુગારીઓ ભાગવા લાગ્યા હતા. પરંતુ પહેલાથી ઉક્ત સ્થળને પોલીસે ચારે દિશાથી કોર્ડન કરી લીધું હોવાથી જુગારીઓ ભાગવામાં સફળ થયા ન હતા.બાદમાં પોલીસે જુગારીઓની પૂછતાંછ કરી હતી. ત્યારે પોલીસે રૂ. ૨૫ હજાર જેટલી રોકડ, જુગાર નું સાહિત્ય જપ્ત કરી તમામની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts