ગાંધીનગરના અડાલજથી ગાંધીનગર તરફ આવતા તારાપુર બ્રિજ ઉપર ગઈકાલે બપોરના સમયે હોન્ડા સિટીના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ પરથી પસાર થતી ઇનોવા કારને ડ્રાઇવર સાઈડમાં ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત થતાં ઇનોવા કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. હોન્ડા સીટી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને હોન્ડા સિટીમાં સવાર બે યુવાનો અને ઇનોવા કારના ચાલકને પણ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં હોન્ડા સીટીનાં ચાલક ૧૭ વર્ષના સમય સુનીલ દોલાણીનું ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથેના હાંસોલનાં ૧૮ વર્ષીય સાહિલ દિનેશભાઈ મતવાણી તેમજ ઇનોવાનાં ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર સાથે ગંભીર હાલતમાં એપોલો હોસ્પિટલ લઈ જવાયા હતા. બંને ઈજાગ્રસ્તોની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. જાેકે, થોડા કલાકોમાં ઇનોવા કારના ચાલકનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસ મથકના એએસઆઇ અનિલસિંહે જણાવ્યું હતું કે, અકસ્માતમાં ૧૭ વર્ષના સમય દોલાણીનું સિવિલમાં મોત થયું હતું. જ્યારે તેની સાથેના સાહિલ દિનેશભાઈ મતવાણીની હાલત પણ ગંભીર છે.
જ્યારે ઇનોવા કારના ચાલકનું પણ ગંભીર ઈજાઓ થવાથી એપોલોમાં મોત નીપજ્યું છે. આ અંગે તપાસ કરતાં તેનું નામ કૌશલ રાજેન્દ્રભાઈ સેલત (રહે. સેકટર-૨૭, ગાયત્રીનગર સોસાયટી, ગાંધીનગર) હોવાનું જાણવા મળ્યું છે. ૩૪ વર્ષીય કૌશલ કોર્ટમાં કલાર્ક તરીકે નોકરી કરતો હતો. જેનાં પિતા બીમાર હોવાથી ફાઈલ લઈને ડોક્ટરને બતાવવાં માટે સરખેજ તરફ જઈ રહ્યો હતો. એ સમયે હોન્ડા સીટી ડિવાઇડર કૂદીને ઇનોવાને અથડાઈ હતી. કૌશલ તેના પરિવારમાં એકનો એક દિકરો હતો. જ્યારે તેની પત્નીનું પણ ત્રણેક વર્ષ અગાઉ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ગઈકાલે રાત્રે બંને મૃતકોના પરિવારમાં માતમ છવાયો હોવાથી વધુ પૂછતાંછ થઈ શકી નથી.ગાંધીનગરના તારાપુર બ્રિજ ઉપર ૧૭ વર્ષના સગીરે બેફામ ગતિએ હોન્ડા સીટી કાર હંકારીને ડિવાઇડર કુદાવીને ઇનોવા કારને ડ્રાઇવર સાઈડ તરફ ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સગીરનું ગાંધીનગર સિવિલમાં મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથેનાં યુવાન તેમજ ઇનોવા કારના ચાલકને ગંભીર હાલતમાં એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇનોવા કારના ચાલક કોર્ટ કલાર્કનું પણ થોડા કલાકો પછી સારવાર દરમિયાન મોત થતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments