ગુજરાત

ગાંધીનગરના ધણપનાં ધામના પાર્કિંગમાં તસ્કરોએ કારનો કાચ તોડી ૩ લાખની મત્તા ચોરી ફરાર

ગાંધીનગરનાં ધણપનાં ચૈતન્ય ધામનાં પાર્કિંગમાં ટોયોટા ફોરચ્યુનર કાર મૂકીને અંકલેશ્વરનું દંપતી સમૂહ લગ્ન માણી રહ્યું હતું. એ દરમ્યાન તસ્કરોએ ફોર્ચ્યૂનર કારનો પાછળનો કાચ કાપી બે બેગમાં રાખેલ સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળીને રૂ. ૩ લાખની મત્તા ચોરીને સિફતપૂર્વક પલાયન થઇ ગયા હતા. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરમાં ચુંટણીના માહોલ વચ્ચે લગ્ન સિઝન પણ પૂર બહાર ખીલી ઉઠી છે. ઠેર ઠેર લગ્નના માંડવા સાથે ઢોલ ઢબુકી રહ્યા છે. એમાંય શિયાળાની કાતિલ ઠંડીનાં ચમકારા વચ્ચે તસ્કરો સક્રિય થયા છે. અંકલેશ્વર સરદાર પાર્ક સોસાયટી ખાતે રહેતા પિયુષ હસમુખલાલ મહેતા અને તેમના પત્ની આશાબેન તા. ૨૬મીએ તેમની ભાણી જાન્વી અવનીશભાઇ શાહનાં (રહે. પ્રાતિંજ) લગ્ન હોવાથી મામેરું ભરવા હિમતનગર અમદાવાદ હાઇવે ચંદ્રાલા ગામ પાસે આવેલ પાલવ હોટલમાં ફોરચ્યુનર ગાડી લઈને આવ્યા હતા.

બાદમાં મામેરાનો પ્રસંગ પુરો કરીને રાત્રે દંપતી ધણપ ગામે હાઇવે રોડ ઉપર આવેલ રોયલ ફોર્ટ હોટલમા રોકાયા હતા. અને સવારે સમાજના સમૂહ લગ્ન હોવાથી ધણપ ચૈતન્ય ધામ ખાતે ગયા હતા. અને ચૈતન્ય ધામના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી હતી. બપોરના સમયે લગ્ન પૂર્ણ થતાં પિયુષભાઈ ગાડી પાસે ગયા હતા. ત્યારે ડ્રાઇવર સાઇડની પાછળનો કાચ કાપેલ હાલતમાં જાેઈ ચોંકી ઉઠયા હતા. આથી ગાડીમાં ચેક કરતાં છેલ્લી શીટમાં બે કપડા ભરવાની બે ટ્રોલી બે ગાયબ હતી. તેમજ તેમની પત્નીનું પર્સ પણ હતું નહીં. જેથી બધાએ ભેગા મળીને આસપાસ તપાસ કરી હતી. પરંતુ બેગો મળી આવી ન હતી. જેમાં તેમની પત્નીનું સોનાનું ૪ તોલાનું મંગળસુત્ર, એક તોલાની સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી, ૬૦ હજાર રોકડા મળીને ત્રણ લાખની મત્તા હતી. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts