ગાંધીનગરના ભાટની નદીના પટમાંથી પુરુષની લાશ મળી આવી
ગાંધીનગરના અડાલજ નર્મદા કેનાલથી ઝૂંડાલ તરફ જતા અવાવરુ જગ્યાથી અજાણ્યા પુરુષ-સ્ત્રીની હત્યા કર્યા પછી સળગાવી દીધેલ હાલતમાં મળેલા કંકાલનો ભેદ ઉકેલવામાં પોલીસની ટીમો દોડધામ કરી રહી છે. એવામાં સાબરમતી નદીના પટ માંથી વધુ એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ઈન્ફોસિટી પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગરનાં ભાટ સાબરમતી નદીનાં પટમાં કેટલાક માછીમારો નદીમાં માછીમારી કરી રહ્યા હતા. ત્યારે નદી પાસે એક અજાણ્યા પુરુષની લાશ જાેઈને ચોંકી ઉઠ્યા હતા. જેનાં પગલે પીસીઆર વાનનાં જવાનોને જાણ કરવામાં આવી હતી. તો લાશ મળ્યાની જાણ થતાં જ ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ વી જી રાઠોડ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આશરે ૪૦ વર્ષીય અજાણ્યા પુરુષની લાશ પાંચેક દિવસ જુની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
બાદમાં પોલીસે લાશનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ કરાવી એફએસએલની મદદ પણ લીધી છે. આ અંગે પીઆઈ રાઠોડે જણાવ્યું હતું કે, બિનવારસી લાશ મળી આવતા હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લાશની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આસપાસના વિસ્તારો માં પણ ટીમોને મોકલીને પૂછતાંછ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ મીસીંગ લોકોની યાદી મંગાવીને તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.ગાંધીનગરના ભાટ સાબરમતી નદીના પટ માંથી આશરે પાંચેક દિવસ જુની અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. ઈન્ફોસિટી પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આસપાસની વિસ્તારોમાં પૂછતાછ સહિત મીસીંગ લોકોની યાદી મંગાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Recent Comments