ગાંધીનગરના રાયસણમાં નોનવેજની રેસ્ટોરન્ટમાં જમવાનું નહીં મળતાં લુખ્ખા તત્ત્વોની ગેંગે મેનેજરને માર માર્યો
ગાંધીનગરના રાયસણમાં પ્રમુખ કોમ્પલેક્ષ ખાતે ખમ્માધણી નામની નોનવેજની રેસ્ટોરન્ટમાં જમવાનું નહીં મળતાં ભૂખ્યા થયેલા લુખ્ખા તત્ત્વોની ગેંગે લાકડાંના ધોકા લઈને મેનેજરને ફિલ્મી ઢબે માર મારવામાં આવતા સ્થાનિક વેપારીઓનાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ અંગે સમાધાનની ફોર્મ્યુલા નિષ્ફળ જતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં લુખ્ખા ગેંગ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ન્યુ ગાંધીનગર વિસ્તારમાં લુખ્ખા તત્ત્વોએ નોનવેજ જમવાની બાબતે માથાકૂટ કરી ફિલ્મી ઢબે રેસ્ટોરન્ટનાં મેનેજરને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. ગાંધીનગરનાં રાયસણ શ્યામ શુકન એપાર્ટમેન્ટમાં રહેતાં ગદર્ભદત્ત સજજનસિંહ જૈતાવત રાયસણ પ્રમુખ કોમ્પલેક્ષમાં આવેલ ખમ્માધણી નામની નોનવેજ રેસ્ટોરન્ટના મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા ૩૧ મી જાન્યુઆરીની રાત્રે રેસ્ટોરન્ટ ઉપર હાજર હતા. તે વખતે અવારનવારની જેમ મિત્રો સાથે જમવા જતો અલ્કેશ પટેલ રેસ્ટોરન્ટ ઉપર ગયો ગયો હતો. અને ચાર પ્લેટ નોનવેજ બનાવી રાખવાનો ઓર્ડર આપ્યો હતો. જાે કે મેનેજરે જમવાનું વધશે તો ઓર્ડર તૈયાર રાખવાની વાત કરી હતી.
બાદમાં અલ્કેશ તેના મિત્રો સાથે ત્યાંથી નીકળી ગયો હતો. જેની થોડીવાર પછી અલ્કેશનો મિત્ર નોનવેજ લેવા માટે ગયો હતો. આથી મેનેજરે જમવાનું પૂરું થઈ ગયું હોવાનું કહેતા તે ત્યાંથી નીકળી ગયો હતો. એટલે અલ્કેશ પટેલનો બીજાે મિત્ર રેસ્ટોરન્ટ પર ગયો હતો અને કહેવા લાગેલો કે અલ્કેશ મળવા માટે બોલાવે છે. જાે કે ગ્રાહકોની ભીડ હોવાથી મેનેજર મળવા નહીં જતાં અલ્કેશ તેના મિત્રોની ગેંગ હેત પટેલ, શુભ પટેલ, ઉમંગ સોલંકી, રાજ પટેલ, કશ્યપ પટેલ, શનિ પટેલ, ધુમિલ ઉર્ફે સોન્ટુ પટેલ સાથે રેસ્ટોરન્ટ પર ધોકા લઈને ગયો હતો. બાદમાં જાહેરમાં બિભત્સ ગાળાગાળી કરી મેનેજરને રેસ્ટોરન્ટની બહાર કાઢી ફિલ્મી ઢબે ફરી વળ્યા હતા.
અને ખુરશી વડે પણ મેનેજરને માર મારવા લાગતા કોમ્પલેક્ષનાં સ્થાનિક વેપારીઓ ઉપરાંત લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે લુખ્ખા તત્વોની ગેંગ ધોકા લઈને ફરી વળતા મેનેજરને તેના સંબંધી પ્રદિપસિંગ છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. જેઓને પણ ગેંગે માર માર્યો હતો. જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા બેઠેલાં અજાણ્યા ગ્રાહકે કોલ્ડ્રીંગની ખાલી કાચની બોટલનુ કેરેટ માર્યું હતું. બાદમાં લુખ્ખા ગેંગે ખુરશી ટેબલની તોડફોડ કરી દુકાન ખાલી કરી દેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ હુમલામાં મેનેજરને માથામાં સાત ટાંકા લેવાની નોબત આવી હતી. ત્યારે પોતાની સારવારને મહત્ત્વ આપી મેનેજરે ફરિયાદ કરવાનું જેતે સમયે ટાળ્યું હતું. જાે કે બંને પક્ષે સમાધાનની ફોર્મ્યુલા નિષ્ફળ જતાં મેનેજરની ફરીયાદના આધારે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments