ગુજરાત

ગાંધીનગરના શેરથા પાસેથી ટ્રકમાં લઈ જવાતો ૧૫. ૩૩ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગાંધીનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાત્રે શેરથા ટોલટેક્સ પાસે વોચ ગોઠવીને ટ્રકમાં સડેલા બટાકાની આડમાં લઈ જવાતો ૧૫.૩૩ લાખની કિંમતની ૧૧૦૦ બોટલ વિદેશી દારૂ – બિયરનો જથ્થો ઝડપી પાડી વિદેશી દારૂની હેરફેરના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. કુલ રૂ. ૨૫.૪૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ચાલતી દેશી વિદેશી દારૂની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા તાબાનાં અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવ અને એચ.પી.પરમારની ટીમ વિદેશી દારૂની હેરફેર કરતાં ઈસમોને ઝડપી પાડવા માટે પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન રાત્રીના સમયે પીઆઈ પરમારને બાતમી મળી હતી કે, મહેસાણા હાઇવે તરફથી એક સફેદ કલરની ટ્રકમાં (જીજે-૧૫-એટી-૬૮૦૫) ગેરકાયદેસર વિદેશીદારૂનો જથ્થો ભરી નીકળેલ છે. જે કલોલ હાઇવે થઇ અમદાવાદ તરફ પસાર થનાર છે.

જેનાં પગલે અડાલજ ત્રિમંદિર નજીક ટીમ સાથે પેટ્રોલીંગ કરતા પીએસઆઇ ડી ડી ચાવડાએ શેરથા ટોલટેક્ષ નજીક વોચ ગોઠવી દીધી હતી. ત્યારે કાગડોળે રાહ જાેયા પછી બાતમી મુજબની ટ્રક કલોલ તરફથી આવતાં વાહનોની આડશ કરીને રોકી લેવામાં આવી હતી. બાદમાં પોલીસે ડ્રાઇવર કમારામ ભીખારામ ચૌધરી (રહે. ગામ. વાડેલી, પોસ્ટ. વેલોંગરી, તા.જી. શિરોહી, રાજસ્થાન) ની જરૂરી પૂછતાંછ કરીને ટ્રકની તલાશી લેતાં સડેલા બટાકાનાં કોથળા નીચે વિદેશી દારૂની પેટીઓ સંતાડી રાખેલી મળી આવી હતી. રાત્રીના સમયે હાઇવે ઉપર દારૂનો જથ્થો ગણવો હિતાવહ નહીં હોવાથી એલસીબી કચેરીએ દારૂ ભરેલી ટ્રક લઈ જવામાં આવી હતી. જ્યાં સડેલા બટાકાનાં દુર્ગંધ મારતાં કોથળા ઉતારીને દારૂની પેટીઓની ગણતરી કરવામાં આવતાં ૩૦૬ પેટીઓમાં ભરેલા ૧૧૦૦ નંગ અલગ-અલગ બ્રાન્ડની દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

આ દારૂના જથ્થા અંગે ઘનિષ્ઠ પુછતાછ કરતા ડ્રાઇવર કમારામે કબૂલાત કરી હતી કે, રાજસ્થાનના ઓળખીતા વનાંરામ સવાજી દેવાશીએ ટ્રકમાં દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને નાના ચીલોડા અમદાવાદ હાઈવે પહોંચીને વનારામને ફોન કરવાનો હતો. જાેકે, એ પહેલાં એલસીબીએ ૧૫.૩૦ લાખની કિંમતનો દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૨૫. ૪૦ લાખનો મુદામાલ જપ્ત કરી ડ્રાઇવરની ધરપકડ કરીને અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

Related Posts