ગુજરાત

ગાંધીનગરના સેક્ટર-૭માં તસ્કરો ત્રાટક્યાઃ ૧.૮૫ લાખની ચોરી

ગાંધીનગરનાં સેકટર ૭ માં આવેલા બંધ મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી બેડરૂમના કબાટનું પણ તાળું તોડી અંદરથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૧.૮૫ લાખની મત્તા ચોરીને તસ્કરો ફરાર થઈ જતાં સેકટર ૭ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરનાં સેકટર ૭/સી પ્લોટ નંબર ૧૦૦૮/૧ માં મૂળ કોડીનારના વીરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચાવડા તેમની પત્ની ચાંદની મહેતા સાથે ભાડેથી રહે છે. જેઓ અમદાવાદની હાઈટેક આઈ સોલ્યુશન કંપનીમાં ડિઝાઈન એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. રાજકોટમાં રહેતી તેમની બહેનને ડીલીવરી થવાની હોવાથી ગત તા. ૨૮ જુનથી તેઓ રાજકોટ મુકામે પત્ની સાથે ગયા હતા. ગઇકાલે મકાનના મૂળ માલિક દિનેશભાઈ વાસાણી અમેરિકાથી ફોન કરીને વિજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે તેમના મકાનનો દરવાજાે તૂટેલો છે.

વિરેન્દ્રસિંહ તાત્કાલિક તેમના મિત્રો સંજયસિંહને ફોન કરીને મકાનમાં તપાસ કરવા માટે મોકલ્યા હતા. બાદમાં સંજયસિંહે ઉપરોક્ત મકાનમાં જઈ ચકાસણી કરતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો અને બેડરૂમનો તમામ સર સામાન વેર વિખેર પડ્યો હતો. તેમજ લાકડાનું કબાટ ખુલ્લું હતું, જેના ડ્રોવરનું તાળું પણ તૂટેલું હતું. જેમણે ચોરી થયાની જાણ કરતા ગઈકાલે વીરેન્દ્રસિંહ રાજકોટથી તાબડતોબ ગાંધીનગર આવી પહોંચ્યા હતા.

ઘરના સામાનની તેમજ ડ્રોવરની તપાસ કરતા માલુમ પડેલું કે તસ્કરો ડ્રોવરમાંથી સોનાનું કડું સોનાની લગડી સોનાનો દોરો પેન્ડલ સોનાની વીંટી બુટ્ટી ચાંદીના છડા તેમજ ચાંદીનો તુલસી ક્યારો મળીને કુલ રૂ ૧ લાખ ૮૫ હજાર૩૭૧ની મત્તા ચોરીને ફરાર થઈ ગયા છે. આ બનાવની જાણ થતા સેકટર ૭ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ડોગ સ્કવોડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવી તપાસનો દોર હાથ ધર્યો હતો.

Related Posts