ગુજરાત

ગાંધીનગરના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર પર ઘાતકી હુમલા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે વિપુલ બાબુભાઈ રાઠોડ ફરજ બજાવે છે. ગઈકાલે મંગળવારે તેઓ સેક્ટર – ૩૦ ની ડંપિંગ સાઈટ ખાતે ફરજ પર હાજર હતા. તે વખતે પાંચેક વાગ્યાના અરસામાં ગજેંદ્રસિંહ ભગવાનભાઈ પરમાર નામનો કર્મચારી આવ્યો હતો. જે ઓફિસના કર્મચારી ભેમાભાઈ ખરાડી સાથે નોકરી બાબતે વાત કરી રહ્યો હતો. આથી ભેમાભાઈએ રેગ્યુલર નોકરી પર નહીં આવવા બાબતે ગજેંદ્રસિંહને ઠપકો આપ્યો હતો. આ દરમિયાન આરોપી એકદમ ઉગ્ર સ્વભાવે વાતચીત કરવા લાગ્યો હતો અને સેનેટરી સબ ઈન્સ્પેક્ટર વિપુલભાઈનાં ભાઈ મહેશભાઈ કે જેઓ પણ અહીં જ ફરજ બજાવે છે તેમને જેમતેમ બોલવા લાગ્યો હતો.

જેથી કરીને વિપુલભાઈએ તેમ બોલવાની ના પાડી હતી. આ દરમિયાન ગજેંદ્રસિંહ વધુ ઉગ્ર થઈને જાતિ વિષયક અપશબ્દો બોલી કહેવા લાગેલો કે તમે નીચી જાતિનાં થઈને સાહેબો થઈ ગયા છો. તમે કહો એમ અમારે કરવાનું કહી બિભત્સ અપશબ્દો બોલી લાકડાં વડે માર મારવા લાગ્યો હતો. જેની સાથે આવેલો તેનો મિત્ર પણ વિપુલભાઈને માર મારવા લાગ્યો હતો. આટલેથી નહીં અટકી ગજેંદ્રસિંહે તેના ભાઈ વિજયસિંહને ફોન કરીને બોલાવી લીધો હતો. તે પણ તેના બે મિત્રો સાથે ડંપિંગ સાઈટની ઓફિસે આવી ચડયો હતો. બાદમાં વિજયસિંહ પણ વિપુલભાઈ પર લાકડા વડે તૂટી પડ્યો હતો અને ગજેંદ્રસિંહે માથામાં પાઈપ ફટકારી હતી. ત્યારે અન્ય લોકો વચ્ચે પડ્યા હતા. કર્મચારીએ સેનેટરી સબ ઈન્સ્પેક્ટરને માર મારતા તેઓને ગંભીર હાલતમાં તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

આ અંગે તેમની ફરિયાદના આધારે સેક્ટર – ૨૧ પોલીસે ગજેંદ્રસિંહ અને તેના ભાઈ વિજયસિંહ તેમજ અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સેક્ટર – ૩૦ ની ડંપિંગ સાઈટ પર ફરજ બજાવતાં સેનેટરી સબ ઇન્સ્પેકટર પર સાથી કર્મચારીએ તેના મળતિયાઓ સાથે મળીને ઘાટકી હુમલો કર્યો હતો. નોકરી બાબતે ઠપકો આપવામાં આવતાં હુમલો કર્યો હતો. નીચી જાતિનાં થઈને સાહેબો બની તમે કહો તેમ કરવાનું કહી કર્મચારીએ પાઈપ અને લાકડાના દંડા વડે સેનેટરી સબ ઈન્સ્પેક્ટરને ઢોર માર મારતા સેક્ટર – ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Related Posts