ગાંધીનગર સ્થિત કર્ણાવતી યુનિવર્સિટી ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ની સાથે ભેગા મળીને ડીફેન્સ ઇનોવેશન ચેલેન્જનું આયોજન કરવા જઈ રહી છે. જાન્યુઆરી મહિનામાં લૉન્ચ કરવામાં આવેલી સ્પર્ધાનું આયોજન ભારતના પ્રમુખ સંરક્ષણ ઇન્ક્યુબેટરો પૈકીના એક એવા ડીફેન્સ ડીઝાઇન એન્ડ ટેકનોલોજી ઇન્ક્યુબેટર ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સાયેન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આ પહેલને સમર્થન પૂરું પાડવામાં આવી રહ્યું છે અને અમદાવાદ ડીઝાઇન વીકની ત્રીજી આવૃત્તિની સાથે-સાથે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વિજેતા ટીમોને ઇનામી રકમ તથા રૂ. ૫૦ કરોડ સુધીનું એન્જલ ફન્ડિંગ આપવામાં આવશે. કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિતેશ હાડાએ જણાવ્યું હતું કે,‘આ ચેલેન્જ યોજવા પાછળનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સ, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ અને નવપ્રવર્તકોને સમર્થન પૂરું પાડવાનો છે. જેથી તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અને એરોસ્પેસના ક્ષેત્રમાં વિશિષ્ટ ઉકેલો અને ટેકનોલોજીના સફળ હસ્તક્ષેપો લઇને આવી શકે. આ ચેલેન્જ સહભાગીઓને પ્રોટોટાઇપ્સની રચના કરવા માટે પ્રોત્સાહિત કરશે તથા તેમણે જે ઉત્પાદનો અને ઉકેલો વિકસાવ્યાં છે, તેનું વ્યવસાયીકરણ કરવા તેમને સક્ષમ બનાવશે. ‘તેની પાછળનો વિચાર સંરક્ષણ ક્ષેત્રના નવપ્રવર્તકો માટે એક મંચની રચના કરવાનો છે, જેથી કરીને તેઓ તેમના વિચારો અને પ્રોટોટાઇપ્સને રજૂ કરી શકે તથા તેઓ તેને ડીઆરડીઓના સંરક્ષણ સંશોધન અધિકારીઓ સમક્ષ રજૂ કરી શકે તે માટે તેમને એક તક પૂરી પાડવાનો પણ આશય છે.
આ પહેલ સંરક્ષણ ઉત્પાદનમાં આર્ત્મનિભરતા હાંસલ કરવાના ભારત સરકારના મિશનને ઘણે અંશે અનુરૂપ છે.’ ડીઆઈસીનો હેતુ હાલમાં ચાલી રહેલા અને નવા પ્રોજેક્ટ્સને સમર્થન પૂરું પાડવાનો અને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલમાં યોગદાન આપવાનો પણ છે. ડીઆઈસીનું વિઝન રાષ્ટ્રીય સુરક્ષા માટે સુસંગત હોય તેવા ઉત્પાદનો અને ટેકનોલોજીઓના કાર્યાત્મક પ્રોટોટાઇપની રચના કરવાનું તથા ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધનારા નવીનીકરણોને પ્રોત્સાહન આપવાનો અને નવી ટેકનોલોજીમાંથી બનેલા ઉત્પાદનો અને ટેકનોલોજીઓને ભારતીય સંરક્ષણ સંસ્થાપનના સ્વરૂપે માર્કેટ અને વહેલાં ગ્રાહકો મેળવી આપવાનો છે.
Recent Comments