ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં ચોરી
ગુજરાતની રાજધાની ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં તસ્કરો ત્રાટક્યા હતા. જે નવા બનતા ટ્રેનિંગ સેન્ટર-ગેસ્ટ હાઉસ માટેનો એર કન્ડિશનિંગનો દોઢ લાખની કિંમતનો સામાન ચોરી જતાં સેક્ટર-૭ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવામાં માહેર ગણાતી નૅશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં ચોરીની ઘટના ઘટી છે.
હાલમાં નૅશનલ સાયન્સ ફોરેન્સિક યૂનિવર્સિટી કેમ્પસમાં નવા ટ્રેનિંગ સેન્ટર અને ગેસ્ટ હાઉસનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેના માટે એર કન્ડિશનિંગનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. ગત તા. ૮ મી માર્ચના રોજ આ સાઈટનાં પાંચમા માળે રાખવામાં આવેલ એર કન્ડિશનિંગ સામાન પૈકી અલગ અલગ કોપર પાઈપનાં ૩૬ રોલ અને એસેસરીઝના ૪૯૭ એલ્બોની ચોરી થયાનું સ્ટોર કીપર રોહિતભાઈને માલુમ પડ્યું હતું. તેઓ એસી માટેનો સામાન લેવા માટે સ્ટોર રૂમમાં ગયા હતા ત્યારે અંદર તમામ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો.
જેના પગલે કંપનીના અધિકારીઓને ચોરી થઈ હોવા અંગે વાકેફ કરવામાં આવ્યા હતા. સ્ટોર રૂમમાં રાખવામાં આવેલા સામાનની ચકાસણી કરવામાં આવતાં રૂ. દોઢ લાખની કિંમતનો ઉક્ત સામાન ચોરી થયાનું જાણવા મળતા તેની તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ ચોરાયેલા સામાનનો ક્યાંય પત્તો ના લાગતા આખરે કંપનીના મિકેનિકલ એન્જિનિયર જનક પંચાલ દ્વારા સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
Recent Comments