ગુજરાત

ગાંધીનગરમાં એક મોપેડ સવાર યુવકનું ગ-રોડ પર હિટ એન્ડ રનનાં કારણે મોત

ગાંધીનગર શહેરના પહોળા અને પાકા માર્ગો જીવલેણ બની રહ્યા છે તેમાં પણ છેલ્લા ઘણા વખતથી રાત્રીના સમયે પુરપાટ ઝડપે ચલાવીને અકસ્માત સર્જતા વાહનચાલકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. હિટ એન્ડ રનના કિસ્સા પણ ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર વધી રહ્યા છે. ત્યારે આવા જ એક હિટ એન્ડ રનના બનાવમાં સેક્ટર-૪માં રહેતા યુવાનો જીવ ગયો છે. સેક્ટર-૭ પોલીસ મથકે થયેલી ફરિયાદ પ્રમાણે, સેક્ટર-૪માં રહેતા અને પેથાપુરમાં ઇલેક્ટ્રીકલ વ્યવસાય કરતા ૨૮ વર્ષના પ્રકાશભાઇ માળી ગત બુધવારે રાબેતા મુજબ સવારે મોપેડ લઇને પેથાપુર ગયા હતા. રાત્રે પરત ઘરે ફરી રહ્યા હતા તે દરમ્યાન સાડા આઠ વાગ્યાની આસપાસ તેમના સે-૫-૬ના ચાર રસ્તા પાસે ગ-રોડ ઉપર કોઇ અજાણ્યા વાહનની ટક્કરે પ્રકાશભાઇ નીચે પટકાયા હતા.

જેના પગલે તેમને જમણાં કાંડમાં તથા લીવરના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. તાત્કાલિક સ્થાનિકો ઇજાગ્રસ્ત આ યુવાનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે બે ખાનગી હોસ્પિટલમાં પણ છેલ્લા ચાર દિવસ દરમ્યાન આ અકસ્માતગ્રસ્ત યુવાનને સઘન સારવાર આપવામાં આવી હતી જાે કે, સારવાર દરમિયાન પ્રકાશભાઇનું ગઇકાલે મોત નિપજ્યું હતું. જેથી તેમના નાના ભાઇની ફરિયાદને પગલે સેક્ટર-૭ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં નવરાત્રી દરમિયાન અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે પોલીસ અને કોર્પોરેશન દ્વારા નાંખવામાં આવેલા સર્વેલન્સના કેમેરા તપાસીને આવા હિટ એન્ડ રનના આરોપીઓને પકડીને તેમની વિરૃધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જાેઇએ તેવી પણ લોકમાંગ ઉઠી રહી છે.

Follow Me:

Related Posts