ગુજરાત

ગાંધીનગરમાં કોરોનાના કેસ વધતાં ૩૪૦૦ બેડની સુવિધા કરાઈ

ગાંધીનગરમાં ઓમિક્રોનનાં કેસો પણ પ્રકાશમાં આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રહેવાની સૂચનાઓ આપવા છતાં ઘણા દર્દીઓ દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની ફરિયાદો પણ મળી છે. જેને લઇને આગામી દિવસમાં આરોગ્ય કર્મચારીઓની ખાસ સ્કવોર્ડ બનાવવામાં આવશે. આ સ્કવોર્ડ કોરોના દર્દીઓ પર ચાંપતી નજર રાખશે. બીજી તરફ સ્મશાનમાં પણ આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે. સ્મશાનના સૂત્રોએ કહ્યું હતું કે અંતિમ ક્રિયા માટે લાકડાની ૧૮ ભઠ્ઠીઓ, ૨ સીએનજી તેમજ એક સ્વર્ગારોહણ ભઠ્ઠીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

તેમજ પૂરતી માત્રામાં લાકડાનો જથ્થો પણ સ્ટોર કરી દેવામાં આવ્યો છે.ગાંધીનગર જિલ્લામાં ઘાતકી નીવડેલી કોરોનાની બીજી લહેરમાં આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. હવે જ્યારે શહેરમાં એક પછી એક કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે આરોગ્ય તંત્રએ આગોતરું આયોજન કરીને પીએચસી અને સીએચસી કેન્દ્રો પર રોજના એક હજાર રેપિડ ટેસ્ટ કરવાના આદેશો આપી ૩૪૦૦ બેડની સુવિધા ઉભી કરી ઓક્સિજન પ્લાન્ટનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દેશ સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોવાથી ડબલ ડિજિટમાં કોરોનાના કેસો સામે આવવા લાગ્યાં છે. ગાંધીનગરમાં પણ એક પછી એક કોરોનાના કેસ આવવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. અગાઉ કોરોનાની બીજી લહેર ઘણી ઘાતકી પુરવાર થઈ હતી. લાકડા, ખાટલા અને બાટલા પણ ખૂટી પડ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સ્મશાનમાં પણ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની નોબત આવી હતી.

ત્યારે સદંતર નિષ્ફળ નીવડેલા આરોગ્ય તંત્ર દ્વારા ભૂતકાળની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આગોતરું આયોજન ત્રીજી લહેર સામે લડવા સજ્જ થવા કરાઈ રહ્યું છે. જેનાં ભાગરૂપે ગાંધીનગરમાં ૩૪૦૦ બેડની સુવિધા હાલમાં ઉભી કરી દેવાઈ છે. તેમજ સિવિલમાં દવાઓનો પૂરતો જથ્થો પણ રાખી દેવાયો છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં જે રીતે કોરોનાના કેસો વધવા લાગ્યા છે તેને લઈને હવેથી દરરોજ પીએચસી અને સીએચસી સેન્ટરો પર એક હજાર રેપિડ ટેસ્ટ કરવાના આદેશો આપી દેવાયા છે.

Follow Me:

Related Posts