ગાંધીનગરમાં ગેરકાયદે ઉભા થયેલા ઢોર વાડાને હટાવીને ૧૦ પશુઓ ને પાંજરાપોળ મોકલી અપાયાં
ગાંધીનગર શહેરમાં ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરીને ઢોરવાડા ઊભા કરનારા ઇસમો સામે મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવતી રહે છે. જે અન્વયે આજે પણ સેકટર – ૪ તેમજ આરટીઓ સામેની સરકારી જમીનમાં ઉભા થયેલા ઢોર વાડાને હટાવીને ૧૦ પશુઓ ને પાંજરાપોળ મોકલી અપાવવામાં આવ્યા હતા. રખડતા પશુના ત્રાસને અંકુશમાં લેવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જાહેર રોડ ઉપર રખડતા પશુઓને પકડી લેવા મ્યુનિસિપલ કોર્પોરેશનની સીએનસીડી શાખા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરીને ઢોરવાડા ઊભા કરનારા ઇસમો સામે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. સરકારી જમીન પર ગેરકાયદેસર ઢોર વાડા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસઆરપીએફના જવાનોનો બંદોબસ્ત તેમજ વિડિઓ રેકોર્ડીંગ સાથે કાર્યવાહી કરી શહેરીજનોને ગંદકી અને ઢોરના ત્રાસથી મુક્ત કરવાની કામગીરી આજે પણ કરવામાં આવી હતી.
આજે કોર્પોરેશનની ટીમ દ્વારા સેકટર – ૪ તેમજ આરટીઓ સામેની સરકારી જગ્યામાં ઉભા થયેલા ઢોર વાડા દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી. જેમાં વાસણા હડમતીયા ખાતેથી ચાર ઢોર વાડા દૂર કરવામાં આવ્યા હતા. અને ૧૦ પશુઓને પકડીને સેકટર – ૩૦ વૃંદાવન ગૌધામ મોકલી આપવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પશુ પાલક મહિલાએ કોર્પોરેશનની ટીમને પોતાના પશુઓ છોડી મુકવા ઘણા ધમપછાડા કરાયા હતા. પરંતુ નિયમ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે કડક કાર્યવાહી કરી હતી.
Recent Comments