ગાંધીનગરમાં ટેલિફોન એક્સચેન્જમાંથી બેટરીઓની ચોરીને અંજામ આપનાર ગેંગનો ફરાર આરોપીને પોલીસે ઝડપી લીધો
ગાંધીનગરના લવારપુર ગામમાં આવેલા બીએસએનએલનાં ટેલિફોન એક્સચેન્જમાંથી બેટરીઓની ચોરી કરનાર ગેંગનાં ફરાર આરોપીને ડભોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાત મહિના અગાઉ ઉક્ત ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. ગાંધીનગર જિલ્લામાં મોબાઇલ ટાવરો તેમજ ટેલિફોન એક્સચેન્જમાંથી બેટરી ચોરીની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી રહેતી હોય છે.
સાતેક મહિના અગાઉ પણ લવારપુર ગામમાં આવેલ બીએસએનએલ ટેલીફોન એક્સચેન્જનાં તાળા તોડી તસ્કર ટોળકીએ બેટરીઓ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે જે તે સમયે પોલીસે ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધરીને બેટરી ચોર ગેંગનો પર્દાફાશ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો. જાે કે આ ગેંગનો એક આરોપી છેલ્લાં સાત મહિનાથી પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. જેનાં પગલે ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એમ એસ રાણાની સૂચનાથી સ્ટાફના માણસોએ ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યાં હતા.
જે અન્વયે પોલીસે પેટ્રોલીંગ દસ દરમિયાન બાતમી મળી હતી કે, ઉક્ત ઘરફોડ ચોરીના ગુનામાં બેટરી ચોર ગેંગનો આરોપી સાતેક મહિનાથી નાસતો ફરે છે અને તે ચીલોડા અમદાવાદ તરફ જનાર છે. આ બાતમીના પગલે પોલીસે વોચ ગોઠવીને નારાયણ બાલુંજી ગુર્જરને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પૂછતાંછમાં સાતેક મહિના અગાઉ બીએસએનએલ ટેલીફોન એક્સચેન્જમાં મિત્રો સાથે મળીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાની વધુમાં તેણે કબુલાત કરી હતી.
Recent Comments