ગાંધીનગરમાં નજીવી બાબતમાં પતિ સહિતના પરિવારને સાસરિયાએ મારમાર્યો
રાજસ્થાનના ૨૨ વર્ષીય દેવારામ હુકમારામ સાંશી કૉલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. જેનાં લગ્ન આઠ મહિના અગાઉ ગાંધીનગરના ગણેશપૂરા ભઠ્ઠા વિસ્તાર વલાદમાં રહેતાં સુલતાનસિંહ જાડેજાની દીકરી અંજલિ સાથે થયા હતા. આ લગ્ન જીવનથી તેમને છ માસનો દીકરો પણ છે. ગત તા. ૨૪મી ફેબ્રુઆરીના રોજ માસા મહેન્દ્રસિંહ રાઠોડના દીકરા-દીકરીના સગાઈ પ્રસંગમાં હાજરી આપવા દેવારામ, તેની પત્ની અંજલિ, માતા-પિતા તેમજ બે ભાઈઓ ગણેશપુરા વિસ્તાર કરાઈ ખાતે આવ્યા હતા. અહીં નજીકમાં દેવારામનાં સસરાનું મકાન પણ આવેલું છે. સગાઈ પ્રસંગે પાંચ દિવસ રોકાયા પછી દેવારામ સાસરીમાં ગયો હતો અને પોતાને લાઇબ્રેરી-ક્લાસ ચાલુ હોવાથી જ વતન જવાની વાત કરી હતી.
જેના પગલે અંજલિએ બે-ત્રણ દિવસ રોકાઈ જવાની કહી હતી. જેમાં દંપતિ વાતચીત કરી રહ્યું હતું, એટલામાં તેનો સાળો સંજય ત્યાં આવી પહોંચીને કહેવા લાગ્યો હતો કે, “તારે જવું હોય તો જા અંજલિ અહીં જ રોકાશે.” જે મુદ્દે મામલો બિચકતા સંજય એકદમ ઉશ્કેરાઈ જઈને બિભત્સ ગાળો બોલીને જીજાજી દેવારામને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. જેનું ઉપરાણું લઈને તેની પત્ની મનીષા, સાસુ કમળાબેન અને સસરા સુલતાનસિંહ લાકડી લઈને માર મારવા લાગ્યા હતા. જેના કારણે દેવારામ જમીન પર પડી ગયો હતો એટલે તેને બચાવવા માટે તેના માતા પિતા અને ભાઈઓ વચ્ચે પડ્યા હતા.
જેમને પણ સાસુ કમળાબેને મૂઢ માર માર્યો હતો. બાદમાં દેવારામને સિવિલ સારવાર અર્થે લઈ જવાયો હતો. આ બનાવ અંગે તેની ફરિયાદના આધારે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રાજસ્થાનથી ગાંધીનગરમાં લગ્ન સગાઈ પ્રસંગમાં હાજરી આપવા માટે આવેલા પતિ સહિતના પરિવારજનોને પરત વતનમાં જવાની નજીવી બાબતે માથાકૂટ કરીને સાસરિયાએ લાકડી અને ગડદાપાટુનો માર મારતાં ચીલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Recent Comments