પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામમાં રહેતાં પતિએ પોતાના અવૈધ સંબંધો છુપાવવા માટે લગ્નના ૧૨ વર્ષ પછી પત્નીના ચારિત્ર્ય ઉપર લાંછન લગાવીને શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ પેટેનાં ૧૧ તોલા સોનાના દાગીના પણ વેચી મારવામાં આવતાં કોલવડાની મહિલાએ કાયદાનું શસ્ત્ર ઉગામી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગાંધીનગરમાં કોલવડાનાં પાંડવનગર પિયરમાં હાલમાં રહેતી ૩૧ વર્ષીય પરિણીતાનાં લગ્ન આશરે બાર વર્ષ અગાઉ સાબરકાંઠાનાં પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામમાં સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. આ લગ્ન જીવનથી પરિણીતાને એક દીકરો અને દીકરી સંતાનમાં છે. છેલ્લાં દસ વર્ષથી દંપતીનું જીવન સુખમય રીતે પસાર થયું હતું.
પરંતુ છેલ્લાં બે વર્ષથી અચાનક જ પતિની વર્તણૂકમાં બદલાવ આવવા માંડ્યો હતો. નાની નાની વાતમાં પતિએ ગુસ્સો કરીને પત્ની સાથે ઝગડો કરી મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું હતું. અને કહેતો રહેતો કે તું મને ગમતી નથી તું તારા પિયરમાં જતી રહે. જાે કે બાળકોના ભવિષ્યનું વિચાર કરીને પરિણીતા બધો ત્રાસ મૂંગા મોઢે સહન કરે રાખતી હતી. તો પતિ અચાનક બે ત્રણ દિવસે ઘરેથી ગાયબ થઈ જતો હતો. જે બાબતે પરિણીતા પૂછે તો પતિ ઉદ્ધત જવાબ આપી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. ત્યારે સમય જતાં પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોવાની જાણ પરિણીતાને થઈ જાય છે. જેનાં કારણે દંપતી વચ્ચે વધુ ઝગડા થવા લાગ્યા હતા.
ત્યારે ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે એમ પતિ પોતાના અવૈધ સંબંધો છુપાવવા માટે પત્નીના ચારિત્ર્ય ઉપર લાંછન લગાવી ઝગડો કરતો હતો. એમાંય પતિ મકાન બનાવવા માટે પિયરમાંથી રૂપિયા લઈ આવવાનું કહી ત્રાસ આપતો હતો. જેનાં કારણે પરિણીતાના ભાઈએ બે લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતાં પરિણીતા લગ્ન સમયે કરિયાવરમાં સાથે લઈને ગયેલ ૧૧ તોલા સોનાના દાગીના પણ પતિએ વેચી માર્યા હોવાનું જાણીને ચોંકી ઉઠી હતી. ત્યારે આજથી છ માસ અગાઉ પતિ ફોન ઉપર વાત કરતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જે બાબતે પૂછતાં જ તે એકદમ ઉશ્કેરાઈ જઈ પત્નીને માર મારી કાઢી મુકી હતી. અને સંતાનો સાથે પણ વાતચીત કરવા નહીં દેતા આખરે પરિણીતાએ કાયદાનું શસ્ત્ર ઉગામી ફરિયાદ નોંધાવી છે.
Recent Comments