ગાંધીનગરમાં પરિણીતાને પાંચ વર્ષના લગ્ન જીવનમાં ડખા, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
અમદાવાદની પરિણીતાએ પાંચ વર્ષના લગ્ન જીવન દરમ્યાન રોજબરોજનાં ઘર કંકાસથી ત્રાસીને બે વર્ષના દીકરા સાથે દહેગામ ખાતે પિયરમાં રહેવા આવી ગઈ હતી. જેનાં પગલે પતિ સાસુ સસરા વારંવાર ફોન કરીને બે વર્ષના દીકરાનું અપહરણ કરવાની ધાક ધમકીઓ આપવામા આવતી હોવાથી કંટાળીને પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હકીકતમાં, દહેગામ ખાતે રહેતી ૩૩ વર્ષીય પરિણીતાના લગ્ન વર્ષ ૨૦૧૮માં અમદાવાદ ચાંદખેડાના યુવક સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. આ લગ્નજીવનથી તેને સંતાનમાં બે વર્ષનો દીકરો છે.
શરૂઆતનાં એકાદ મહિનો પરિણીતાનું લગ્નજીવન સુખમય પસાર થયું હતું. બાદમાં ગુસ્સાવાળા સ્વભાવનો પતિ નાની નાની વાતને મોટું સ્વરૂપ આપીને મારઝૂડ કરી બિભત્સ ગાળો બોલી અપમાનિત કરવા લાગ્યો હતો. આ બાબતે પરિણીતાએ સાસુ સસરાને વાત કરતા ઊલટાનું તેઓ દીકરાને કઈ કહેવાની જગ્યાએ તેની સાથે ઝગડો કરી કામની બાબતમાં વાંધા વચકા કાઢતા હતા. ત્યારે પતિ ખર્ચ પણ ઉઠાવતો નહીં હોવાથી પરિણીતાએ ખાનગી નોકરી કરવાની ફરજ પડી હતી. ત્યારે સમય જતાં તેના પતિની પ્રાઈવેટ નોકરી છુટી તે કારણ વિના ઝગડા કરી મારઝૂડ કરતો હતો. અને દહેજની માંગણી કર્યા કરતો હતો. ઉપરાંત પરિણીતાને ગર્ભપાત કરાવવા માટે દબાણ કરતો હતો. બાદમાં પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો.
જેનાં જન્મ દિન નિમિત્તે સાસુ દહેજ માંગતા હતા. આથી પિયર તરફથી સોનાના કડા આપવામાં આવ્યા હતા. અને પૂજન વિધિના દિવસે પણ પતિએ ધક્કો મારીને ત્રાસ આપ્યો હતો. જેથી તે રોજબરોજનાં ઘર કંકાસથી ત્રાસી ને પિયર રહેવા ગઈ હતી. એ વખતે પતિ, સાસુ સસરા ફોન કરીને બે વર્ષના દીકરાનું અપહરણ કરવાની ગર્ભિત ધમકીઓ આપતા હતા. બાદમાં બંને પક્ષો સમાધાન માટે એકઠા થયા હતા. ત્યારે પણ પતિએ મારમારી કરી હતી. આખરે કંટાળીને પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
Recent Comments