ગુજરાત

ગાંધીનગરમાં પૈસા ભર્યા વિના ગાડીની ડિલિવરી માંગતા ૪ શખ્સોએ સેલ્સ મેનેજરને માર માર્યો

ગાંધીનગરના રાયસણ પીડીપીયુ રોડ ઉપર આવેલા બિઝનેસ પાર્કની બહાર માત્ર દોઢ લાખ રૂપિયા બુકિંગનાં ભરીને રૂ. ૨૧.૪૦ લાખની ગાડીની ડીલીવરી માંગીને હુન્ડાઇ શો રૂમના સેલ્સ મેનેજરને બે શખ્સોએ ચામડાંનાં પટ્ટા વડે તેમજ ગડદાપાટુનો ઢોર માર મારતાં ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના સેકટર ૪/સી પ્લોટ નંબર ૬૪૦/૧ માં રહેતો મહેશ સાંકળિયા સેક્ટર-૨૮ ખાતે આવેલ પંજાબ હુન્ડાઇ શો રૂમ ખાતે સેલ્સ એજ્યુટીવ તરીકે નોકરી કરે છે. ગત તા. ૧૭મી ઓક્ટોબરના રોજ પાલજ ગામના પ્રવીણભાઈ ઠાકોર તેમજ રાજદિપસિંહ ભરતસિંહ બિહોલા શો રૂમ ગયા હતા. અને રાજદીપસિંહનાં નામે રૂ. ૧.૫૦ લાખ ભરીને હુન્ડાઇ ક્રેટા ફોરવ્હીલ ગાડી રૂપિયા રૂ. ૨૧.૪૦ લાખમાં ધનતેરસના દિવસે ડીલીવરી માટે બુકિંગ કરાવ્યું હતું. બાદમાં કાર લોન બાબતે કોઈ તકલીફ પડતાં ધનતેરસના દિવસે ગાડીનું પેમેન્ટ ચૂકવી નહીં શકતા ગાડીની ડીલીવરી થઈ ન હતી.

જેનાં પગલે ગઈકાલે સાંજના સમયે રાજદીપસિંહે ફોન કરીને મહેશને પીડીપીયુ બિઝનેસ પાર્ક ખાતે ગાડી બાબતે વાતચીત કરવા માટે બોલાવ્યો હતો. જેથી મહેશ તેના મિત્ર અભિજીતસિંહ રાણા સાથે ઉક્ત સ્થળે આવ્યો હતો. ત્યારે રાજદીપસિંહ સાથે તેના અન્ય મિત્રો પણ ત્યાં હાજર હતા. જેઓ મહેશને જાેઈને તુતર્જ ગાડીની ડીલીવરી કેમ આપી નહીં કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. અને ચારેય ભેગા મળીને મહેશ ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જ્યારે રાજદીપસિંહ કમર માંથી ચામડાનો પટ્ટો કાઢીને ફરી વળ્યો હતો. આ હુમલામાં મહેશને માથામાં છ અને નાકના ભાગે ત્રણ ટાંકા લેવાની ફરજ પડી હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts