ગુજરાત

ગાંધીનગરમાં વડાપ્રધાન લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થી, પરીક્ષાર્થી, તેના વાલી તથા શિક્ષણપ્રેમીઓ માટે આ પુસ્તક અદ્વિતીય, પથદર્શક અને દીવાદાંડીરૂપ સાબિત થશે. આ અવસરે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.ગુજરાત બોર્ડની પરીક્ષા આગામી ૧૪ માર્ચથી શરૂ થનાર છે, ત્યારે ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની સરળતાથી તૈયારી કરવા અને વગર ચિંતાએ પરીક્ષા આપવા માટે આ પુસ્તક ઉપયોગી નીવડી શકે છે.

આ ઉપરાંત તમામ રાજ્યોની શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષક-અધ્યાપકો અને વાલીઓ માટે આ પુસ્તકમાં ૧થી ૩૪ પ્રકરણ નવા મંત્રો સાથે રસપ્રદ શૈલીમાં નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવ્યા છે. “પરીક્ષા મહત્વની છે, પરંતુ તે જીવનનો એક ભાગ માત્ર છે. જીવનમાં એ સિવાય આપણા માટે ઘણીબધી વસ્તુઓ છે” તે આ પુસ્તકનો મૂળભૂત વિચાર છે. આ પુસ્તક કેવળ પરીક્ષાના મહત્વ વિશે જ નહી પરંતુ જીવનના મહત્ત્વ વિશે પણ સમજાવે છે. પુસ્તકમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને એક ઉત્સવ તરીકે આનંદભેર ઉજવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

દરેક પ્રકરણમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃતિઓ આપવામાં આવી છે. યુવા મસ્તિષ્કને વિચાર માટે ભાથું પૂરુ પાડનારા ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણમાં આપેલી સંકલ્પનાઓ યુવાનોને પોતાની રીતે પોતાના જીવનને ઘડવામાં મદદરૂપ થશે. આ સંકલ્પનાઓ પુસ્તકમાં જુદા-જુદા મંત્રો તરીકે મૂકવામાં આવી છે. ‘એક્ઝામ વોરિયર્સ’ પુસ્તકના ૧થી ૨૮ મંત્રો મુખ્યત્વે વિદ્યાર્થીઓ માટે છે. પરીક્ષાખંડમાં મહત્વની નાની બાબતોથી લઈને વર્ગખંડની બહાર જવા સુધી, પોતે પોતાની જ સાથે સ્પર્ધા કરવાથી લઈને પોતાને શોધવા સુધી, સમય વ્યવસ્થાથી લઈને ટેકનોલોજી સુધી, કૃતજ્ઞતાથી લઈને લક્ષ્ય નિર્ધારણ સુધી આ પુસ્તક વિવિધ વિષયોને સ્પર્શે છે, જે યુવાનોને ખૂબ જ રસપ્રદ લાગશે.

આ પુસ્તકના ૨૯ થી ૩૪ મંત્રો માતા-પિતા માટે મહત્વના છે. પરિણામોમાં ટેકનોલોજીની ભૂમિકા, બાળકોને પ્રોત્સાહનનું મહત્વ, બાળકોને પૂર્વગ્રહ વિના પરીક્ષા માટે તૈયાર કરવા, માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ કેળવવી, સકારાત્મક વાતાવરણ સ્થાપિત કરવામાં માતા-પિતાની નિર્ણાયક ભૂમિકા વગેરે વિષયો આ પુસ્તકમાં આવરી લેવામાં છે. વડાપ્રધાન દ્વારા લિખિત ‘એક્ઝામ વોરિયર્સ’ ગુજરાતના વિદ્યાર્થીઓ, માતા-પિતા તેમજ સમગ્ર શિક્ષણજગત સાથે સંકળાયેલ તમામ લોકો માટે ખૂબ જ પથદર્શક અને પ્રેરણાદાયી બની રહેશે.

Follow Me:

Related Posts