ગાંધીનગર અડાલજ- સુઘડ કેનાલ પાસે વધુ એક લુંટની ઘટના. પ્રેમી પંખીડાને છરીની અણીએ લુંટી ૩ લોકો ફરાર
સુઘડ કેનાલ પાસે પ્રેમી પંખીડાને છરીની અણીએ લુંટી લેવાની ઘટના પ્રકાશમાં આવતાં ફરીવાર ભૂતકાળની ઘટનાઓનું પુનરાવર્તન શરૂ થઈ ગયું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના મોટેરા શ્યામ સેરેનીટી મકાન નંબર – એ /૨૦૨માં રહેતો મૂળ માણસાના વતની ફેનિલ અશ્વિનભાઈ પટેલના પિતા સબ મર્સિબલ પાર્ટસનો ધંધો કરે છે. જ્યારે ફેનિલ ગાંધીનગર કડી કેમ્પસમાં આવેલ અશ્વિનભાઈ કોમર્સ કોલેજમાં ટીવાયબીકોમનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગઈકાલે બુધવારે સાંજના સમયે ફેનિલ તેના ભાઈ નિખિલનું બુલેટ લઈને સુઘડ કેનાલથી ૧૦૦ મીટર અંદર જતાં રોડ પર આવ્યો હતો. જેની સાથે તેની પ્રેમિકા જે તેની વસાહતમાં જ રહે છે તે પણ તેનું એક્ટિવા લઈને આવી પહોંચી હતી.
બંને પ્રેમી પંખીડા વાહનો ઉભા રાખી વાતો કરી રહ્યા હતા. એ દરમિયાન પોણા આઠ વાગ્યાના અરસામાં નજીકની ઝાડીઓમાંથી ત્રણ લુંટારુઓ તેમની પાસે આવી પહોંચ્યા હતા. જેમાંથી એક લુંટારુએ સીધો જ ફેનિલને લાફો ઝીંકી દઈ જે કંઈ હોય તે આપી દેવાની ધમકીઓ આપી હતી. ત્યારે બીજા લુંટારુએ છરી કાઢીને ધમકી આપી હતી કે જાે કંઈ નહીં આપે તો તારી પ્રેમિકાને પતાવી દઈશ. આ સાંભળી પ્રેમી પંખીડા હચમચી ગયા હતા. તેવામાં ત્રીજા લુંટારુએ ફેનિલ પાસેથી ચાંદીની લકી, મોબાઈલ ફોન તેમજ પર્સ લુંટી લઈ તેની પ્રેમિકાએ પહેરેલી સોનાની બે વીંટી પણ લુંટી લીધી હતી. એ દરમિયાન કેનાલ તરફથી કોઈ કાર આવતાં દેખાતાં ત્રણેય લુંટારુ બુલેટ પર ફરાર થઈ ગયા હતા. બાદમાં ગભરાઈ ગયેલા પ્રેમી પંખીડા એક્ટિવા પર ઘરે પરત ફર્યા હતા. ઘરે જઈ ફેનિલે સઘળી હકીકત વર્ણવતા તે તેના માતા પિતા સાથે અડાલજ પોલીસ મથક આવ્યો હતો.
આ બનાવના પગલે પોલીસે દાગીના, મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ બુલેટ મળીને કુલ. રૂ. ૫૨ હજાર ૮૫૦ની લુંટ કરનાર ત્રણ લૂંટારુઓ વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગર અડાલજ પોલીસ મથકની હદમાં ઓક્ટોબર મહિનામાં પ્રેમી પંખીડાની છરીની અણીએ લૂંટ-મર્ડરની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા પછી ફરીવાર ગઈકાલે બુધવારે રાત્રે સુઘડ કેનાલ પાસે પ્રેમી પંખીડાને છરીની અણીએ બાનમાં લઈ દાગીના, રોકડ, મોબાઈલ ફોન તેમજ બુલેટની લૂંટ કરીને ત્રણ લૂંટારુઓએ તરખાટ મચાવ્યો હતો. ભૂતકાળની લૂંટની ઘટનાઓનું પુનરાવર્તન શરૂ થઈ જતાં અહિના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ઓક્ટોબર મહિનામાં અડાલજની ઝૂંડાલ નર્મદા કેનાલ પાસે લૂંટ-મર્ડરની ઘટનાઓ પ્રકાશમાં આવતાં ગાંધીનગર પોલીસ હરકતમાં આવી ગઈ હતી. જેના પગલે વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર, તેના સાગરિત દિપક કલાજી ઠાકોર અને કિરણ ઉર્ફે ગેડ્યો આતાજી ઠાકોરની ધરપકડ કરી લેવાઈ હતી. જેમાં મુખ્ય સૂત્રધાર વિપુલ સાઈકો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેનાં લગ્ન થતાં ન હોવાથી તે કેનાલ પાસે બેઠેલા કપલને ટાર્ગેટ કરી ઘાતકી હુમલો કરી લૂંટ કરતો હતો. આ લૂંટારુઓએ દિલ્હી ઈસ્લામિક યુનિવર્સિટીનાં વિદ્યાર્થીને પણ લૂંટી લીધો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જાે કે પોલીસે લૂંટારુઓને ઝડપી લઈ રાહતનો શ્વાસ લીધો હતો.
Recent Comments