ગાંધીનગર જિલ્લામાં રહેણાંક કે ઔધોગિક વિસ્તારમાં મકાન કે અન્ય એકમો ભાડે આપે ત્યારે પોલીસ મથકે દિન- ૧૫માં જાણ કરવી આવશ્યક
સમગ્ર ગાંધીનગર જિલ્લાના વિસ્તારમાં મકાન માલિક કે મકાન માલિકે ખાસ સત્તા આપી હોય તેવા વ્યક્તિ રહેણાંક કે ઔધોગિક વિસ્તારમાં મકાન કે એકમો ભાડે આપે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને દિન- ૧૫માં જાણ કરવાનો હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મેહુલ દવેએ એક જાહેરનામું બહાર પાડીને કર્યો છે.
જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર શ્રી મેહુલ દવેએ જાહેરનામામાં જણાવ્યું છે કે, આગામી સમયમાં વિવિધ ચૂંટણી અને તહેવારો આવી રહ્યા છે. તેમજ જિલ્લામાં ભારતના અને અન્ય વીવીઆઇપીશ્રીઓ મુલાકાતે આવતા- જતાં હોય છે. ગાંધીનગર જિલ્લામાં દેશ કે રાજય બહાર અને અન્ય જિલ્લામાંથી અમુક તત્વો સ્થાનિક માણસોના સાથ- સહકારથી મકાન અગર તો વ્યવસાયિક ક્ષેત્રો તરીકે ઉપયોગ થતી દુકાન, ઓફિસ, શોપીંગ મોલ ભાડેથી રાખીને રહેતા હોય છે. અહીં રહીને સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થતાં હોય છે. ત્યારબાદ અસામાજિક કે ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપતાં હોય છે. અસામાજિક પ્રવૃત્તિ કે ત્રાસવાદી પ્રવૃત્તિ ન થાય તેવા આશયથી જિલ્લા કલેકટરશ્રીએ આ જાહેરનામું બહાર પાડયું છે.
આ જાહેરનામામાં જણાવ્યું છે કે, કોઇ મકાન માલિક કે મકાન માલિકે ખાસ સત્તા આપી હોય તેવા વ્યક્તિ મકાન, દુકાન, ઓફિસ, શોપીંગ મોલ ભાડે આપે ત્યારે તેમણે નજીકના પોલીસ મથકમાં જાણ કરવાની રહેશે. આ જાણ દિન- ૧૫માં કરવાની રહેશે. આ જાણ કરવા માટે મકાન માલિક કે મકાન માલિકે ખાસ સત્તા આપી હોય તેવા વ્યક્તિએ મકાન- દુકાન- ઓફિસ- શોપીંગ-મોલ- વ્યવસાયિક ક્ષેત્રેની પ્રોપર્ટીના માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, કયા વિસ્તારમાં, કેટલુ બાંધકામ, પ્રોપર્ટી ભાડે આપવા સત્તા ઘરાવતા વ્યક્તિનું નામ- સરનામું, પ્રોપર્ટી કયારે ભાડે આપેલ છે, ભાડાની વિગત સાથે કેટલા સમય માટે, કઇ વ્યકતિને ભાડે આપેલ છે, તેમા રહેનાર તમામ વ્યકતિના પાકા નામ- સરનામા સાથે, સ્થાનિક રીતે ભાડુઆતની ઓળખાણ આપનારનું નામ- સરનામું, માલિકેને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકતિનું નામ- સરનામુ જેવી વિગતોનું ફોર્મ ભરીને નજીકના પોલીસ મથકમાં આપવાનું પણ જાહેરનામામાં જણાવ્યું છે.
કલેકટરશ્રીએ જાહેરનામામાં જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતાં હે.કોન્સ. કે તેનાથી ઉચ્ચ હોદ્દો ઘરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ની કલમ- ૨૨૩ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
Recent Comments