ગુજરાત

ગાંધીનગર પોલીસે ગણતરીના કલાકમાં જ લૂંટના આરોપીઓને પકડી પાડ્યા

ગાંધીનગરના કોબા રોડ ઉપર નિધિ પેટ્રોલ પંપ સામેથી પસાર થતી એક્ટિવા સવાર બે મહિલાનો પીછો કરીને બાઈક સવાર ત્રણ લૂંટારૂઓ ૨૦ હજારની મત્તા ભરેલા પર્સની તફડંચી કરીને ફરાર થઇ ગયા હતા. અચાનક લૂટારુઓએ ચાલુ વાહને લૂંટ કરતા એક્ટિવા સવાર બન્ને મહિલા પડી ગઈ હતી. જેથી તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગાંધીનગરના સેક્ટર – ૨૭ શિવમ સોસાયટીમાં રહેતા શિખાબેન દિપકભાઈ કસારા તેમના નણંદ સંગીતાબેન સાથે એક્ટિવા લઈને મણિનગર ગયા હતા. ત્યારે સંગીતાબેનના જુના ઘરેથી જરૂરી સામાન લઈને તેમની દીકરીનું લિવિંગ સર્ટી સ્કૂલમાંથી લીધા પછી પરત ગાંધીનગર આવી રહ્યા હતા. એ વખતે શિખાબેને એક્ટિવા આગળ પર્સ રાખ્યું હતું. રસ્તામાં નાસ્તો કર્યા પછી તેઓ કોબા સર્કલથી આગળ નિધિ પેટ્રોલ પંપ સામેના રોડ પર પહોંચતા પાછળથી બાઈક ઉપર ત્રણ લૂંટારૂઓ આવી પહોંચ્યા હતા. જેમાંથી પાછળ બેઠેલા ઈસમે અચાનક એક્ટિવામાં ભરાવેલા પર્સની તફડંચી કરી ગાંધીનગર તરફ ભાગ્યા હતા. જાેકે, ચાલુ વાહને તફડંચી થઈ હોવા છતાં શિખાબેને પર્સ પકડી લીધું હતું. પરંતુ એકદમ ઝટકો આવતાં તેમના હાથમાંથી પર્સ છૂટી ગયું હતું અને એક્ટિવા પરથી કાબુ ગુમાવી દેતા તેઓ રોડ પર દસ ફૂટ સુધી ઘસડાયા હતા. જેનો લાભ લઈ લૂંટારુઓ નાસી ગયા હતા. આ બનાવની જાણ થતાં જ ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ વી જી રાઠોડ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે પહોંચતા જ પીઆઈ રાઠોડની નજર સીસીટીવીના થાંભલા ઉપર પડી હતી. આથી તુરંત તેના ફુટેજ મેળવવા માટેની તજવીજ શરૂ કરી હતી. જાેકે, કમનસીબે મ્યુનિસિપલ કોર્પોરેશનના કેમેરા બંધ હાલતમાં હોવાની જાણ થઈ હતી. આથી તેમણે તપાસની દિશા બદલીને તાત્કાલિક ત્રણ ટીમને એક્ટિવ કરી દીધી હતી. બાદમાં નેત્રમ કેમેરા જાેવાનું નક્કી કરી એક ટીમને કંટ્રોલ રૂમમાં મોકલી આપી હતી. જેનાં ફળશ્રુતિ એક પછી એક કળીઓ મળતી ગઈ હતી. ગાંધીનગર આવતાં અને અમદાવાદ તરફ જતાં વાહનોની ચકાસણી પોલીસે શરૂ કરી હતી. પીડિતાના વર્ણન મુજબ બાઈક ઉપર ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું હતું. આમ રિવર્સ ફુટેજ ફોર્મૂલા મુજબ એક પછી એક કેમેરા ચેક કરવામાં આવતાં એપોલો સર્કલ રોડ પર શંકાસ્પદ હાલતમાં ત્રણ ઈસમો નંબર પ્લેટ વિનાના એફઝેડ બાઈક પર જતાં નજરે ચડયા હતા. એટલે એફઝેડ પાસીંગ વાળા બાઈક કેટલા એની યાદી મેળવવામાં આવતા ૨૫ જેટલા બાઈકના નંબર સામે આવ્યા હતા. જેથી પીઆઈ રાઠોડ પોતાની ટીમ સાથે એપોલો સર્કલ વિસ્તારમાં ગયા હતા અને એક ટીમને સરદાર નગર તરફ મોકલી આપી હતી. હવે ૨૫ જેટલા એફઝેડ – એસ બાઈકનાં નંબર હતા. જેમાંથી એક પછી એક નંબરોની ચકાસણી કર્યા પછી સરદારનગર ગાર્ડન ગલી અનુરાગ નરેશકુમાર જેસવાની, મનીષ સુનીલકુમાર જાેધાણી(માતૃભૂમિ સોસાયટી, કુબેર નગર) અને સાહિલ મહેશકુમાર હીરવાણીને (કુબેરનગર) ઉઠાવી લીધા હતા. આ સમગ્ર ઓપરેશન માત્ર પીઆઈ રાઠોડે પાર પાડીને લૂંટનાં ગુનાને અંજામ આપનાર ત્રણેય લૂંટારુને ઝડપી પાડી ગણતરીના કલાકમાં જ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો હતો. આ અંગે પીઆઈ રાઠોડે જણાવ્યું હતું કે, હાલમાં ત્રણેય લૂંટારૂઓએ ગુનાની કબૂલાત કરી લીધી છે. જેમના રિમાન્ડ મેળવીને ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરી તેમના ગુનાહિત ઈતિહાસની સિલસિલાબંધ વિગતો બહાર લાવવામાં આવશે.ગાંધીનગરના કોબા રોડ પરથી પસાર થતી એક્ટિવા સવાર મહિલાઓનો પીછો કરીને ૨૦ હજારની મત્તા ભરેલું પર્સની લૂંટ કરનાર બાઈક સવાર ત્રણ લૂંટારૂને ઈન્ફોસિટી પોલીસે દિલધડક ઓપરેશન હાથ ધરીને ગાળામાં જ પગેરૂ મેળવીને લૂંટના ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જે સ્થળે લૂંટની ઘટના ઘટી હતી એ સ્થળના ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સીસીટીવી કેમેરા બંધ હતા. જેથી પોલીસે નેત્રમના ફૂટેજ મેળવી તે દિશામાં કામગીરી હાથ ધરી હતી. પોલીસે ત્રણ ટીમોને એક્ટિવ કરી દીધી હતી.

Related Posts