રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે બાદ ગાંધીનગર મહાનગરપાલિકામાં આજથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ૧૧ વોર્ડની ૪૪ બેઠકની ચૂંટણી યોજાશે. અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૨.૮૨ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે પહેલી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્રીજી એપ્રિલે ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાશે. ૫મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે. ૧૮ એપ્રિલના રોજ ૨૮૪ જેટલા મતદાન મથકો ઉપર મતદાન યોજવામાં આવશે. અને ૨૦મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ થાય એ માટે પોલીસ ફોર્સ ઉપરાંત ૧૫૭૫ કર્મચારી અધિકારીઓની સેવા લેવામાં આવશે. ૨૮૪ મતદાન મથક પૈકી ૬૯ મતદાન મથકો સંવેદનશીલ અને ૩૪ અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. આગામી ૫મેએ ગાંધીનગર મહાનગર પાલિકાની મુદત પુરી થાય છે. ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારને લઈને પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૬ મહાનગર પાલિકા પર ભાજપની સતા છે.


















Recent Comments