fbpx
ગુજરાત

ગાંધીનગર LCB કલોલ, ધોળકા અને સાણંદ પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરીની ચોરી કરનાર તસ્કરને ઝડપી લીધો

કલોલ, ધોળકા અને સાણંદ પોલીસ મથકની હદ વિસ્તારના ગ્રામીણ એરિયા આવેલા મોબાઇલ ટાવરોમાંથી એમરોન કંપનીની બેટરીઓ ચોરનાર ૨૬ વર્ષના ચોરને રૂ. ૩.૬૦ લાખની કિંમતની ૧૨૦ નંગ બેટરીઓ સાથે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ રીઢા ચોરને વર્ષ – ૨૦૨૦માં પણ એલસીબીએ ઝડપી પાડી ૭૨ નંગ બેટરી જપ્ત કરી આખી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી રાત્રીના સમયે મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરાવાની ઘટના વધી ગઈ હતી. જેનાં પગલે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ દિવાનસિંહ વાળાએ ભૂતકાળમાં બેટરી ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓને ટ્રેક કરવાની સૂચના આપી કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરાવી શકમંદોની પૂછતાંછ શરૂ કરાઈ હતી.

જે અન્વયે મળેલી બાતમી આધારે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના બોરીસણા ગામની સીમમાં, ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના બદરખા–કેલીયા વાસણા ગામની સીમમાં અને સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ખોડા ગામની સીમમાં ઉભા કરેલ મોબાઇલ ટાવરમાંથી છેલ્લા બે માસથી એમરોન કંપનીની બેટરીઓ કુલ નંગ – ૧૨૦ ની ચોરી કરનાર રીઢા ચોર યશવંત કમલેશસિંગ (હાલ રહે.- સી/૪૦૫, સિલ્વર હેબિટેટ, રીંગ રોડ રોયલ હોટલની પાછળ, વસ્ત્રાલ અમદાવાદ મૂળ રહે- સ્ટેશનની સામે ઝખનિયા ગામ, તા-ઝખનિયા, જિ. ગાજીપુર ઉત્તરપ્રદેશ) ને ઉઠાવી લેવામાં આવ્યો હતો. જેની કડકાઈથી પૂછતાંછ કરતાં રીઢા ચોર યશવંતે ઉક્ત સ્થળોથી રૂ. ૩.૬૦ લાખની કિંમતની બેટરી ચોરીના ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે રીઢા ચોર યશવંતને વર્ષ – ૨૦૨૦ માં લોકલ ક્રાઇમ બ્રાંચના તત્કાલિન પીઆઈ જે જી વાઘેલાની ટીમે દહેગામના રખિયાલ નજીક નિલકંઠ છાપરા પાસે વોચ ગોઠવી બેટરીઓ ભરેલ પીકઅપ ડાલા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

જેની સાથે રમેશ વકતારામ પટેલ અને મનીષ નાથુભાઈ વર્મા (રહે.એ ૧૪ નીલકંઠ પાર્ક સોસાયટી ઓઢવ) ની પણ ધરપકડ કરી લેવાઈ હતી. જ્યારે ઉક્ત આરોપીઓ પાસેથી ૭૨ બેટરી, પાંચ મોબાઈલ, જુદીજુદી કંપનીના આઈકાર્ડ અને પીકઅપ ડાલા સહિત છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એ વખતે એલસીબીએ વૈજ્ઞાનિક ઢબે પૂછતાંછ શરૂ કરતાં યશવંતસિંહ અગાઉ મોબાઈલ ટાવર લગાડતી કંપનીમાં કામ કરતો હોવાથી તે ટાવરની કામગીરીથી વાકેફ હતો અને છેલ્લા દોઢ મહિનાથી રૂપિયાની તંગી ઉભી થતાં મનીષ અને શંભુસિંહ પહાડસિંહ રાજપુતના સાથે મળીને દહેગામ તેમજ આસપાસના વિસ્તારોમાં મોબાઈલ ટાવરની રેકી કરી બેટરીની ચોરી કરતાં હતા.

શંભુસિંહ અને ડ્રાઈવર ખેમારામ સાથે મળીને કણભા, દહેગામના જલુન્દ્રા, કરોલી, રખિયાલ, પ્રાંતિજ, સાણોદા, વાસણા ચૌધરી જેવા સ્થળોએથી બેટરી ચોરી કરીને અમરાઈવાડીમાં સ્ક્રેપની દુકાન ચલાવતાં મીથુનને વેચી દેતાં હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે હવે ફરીવાર મોબાઇલ ટાવરોની બેટરી ચોરનાર રીઢો ચોર યશવંત પુનઃ જિલ્લામાં સક્રિય થઈ ચોરીના ગુનાને અંજામ આપવા લાગ્યો હતો. જેને પીઆઈ વાળાની ટીમે ઝડપી પાડી રૂ. ૩.૬૦ લાખની બેટરીઓ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts