રાષ્ટ્રીય

ગાંધી પરિવારમાંથી કોઈ અધ્યક્ષ બનશે નહીં, કહેવા માટે હિંમત જાેઈએ : અશોક ગેહલોત

કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે કહ્યુ કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પાર્ટીના સર્વોચ્ચ પદ માટે ના પાડીને મોટો ત્યાગ કર્યો છે. ગેહલોતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું- અમે બધા આ અધ્યક્ષ પદની ચૂંટણીનો ભાગ બનીશું. બધાની અંદર ચૂંટણીને લઈને ઉત્સાહ છે. આ એક નવી શરૂઆત હશે. સોનિયા ગાંધી અને રાહુલે ખુબ મોટો ત્યાર કર્યો છે કે ગાંધી પરિવારમાંથી કોઈ અધ્યક્ષ બનશે નહીં. આ કહેવા માટે હિંમત જાેઈએ. કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેને સમર્થન કરવાના સવાલ પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ કે તેમણે ચૂંટણી પ્રક્રિયાનું ઉલ્લંઘન કર્યું નથી. ગેહલોતે પત્રકારોને કહ્યું- હું ખડગેનો પ્રસ્તાવક બન્યો હતો તો કેટલાક લોકોએ વિવાદ ઉભો કર્યો કે મેં ખડગેના સમર્થનમાં પ્રચાર કર્યો. પ્રચાર કરવાનો હોત તો હું દરેક રાજ્યમાં જાત અને વાત કરત.

મેં તે કર્યું નથી પરંતુ હું પ્રસ્તાવક બન્યો છું. શું હું તેમના માટે અપીલ ન કરી શકું?’’ તેમણે કહ્યું, ‘પછી પ્રસ્તાવક બનવાનું મહત્વ શું? પ્રસ્તાવકના રૂપમાં મેં જે કર્યું, તેમાં મેં ચૂંટણી પ્રક્રિયાનું કોઈ ઉલ્લંઘન નથી. ગેહલોતે કહ્યું કે કેટલાક લોકોએ આ મુદ્દાને ચગાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે સોમવારે ચૂંટણી થશે અને ૧૯ ઓક્ટોબરે પરિણામ આવશે અને એક નવી શરૂઆત થશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાછલા ગુરૂવારે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરી હતી. અધ્યક્ષ પદની ચૂંટણી માટે રાજસ્થાનના ૪૧૪ ડેલિગેટ્‌સ (મતદાન મંડળના સભ્ય) સોમવારે મતદાન કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેનો મુકાબલો તિરૂવનંતપુરમથી સાંસદ શશિ થરૂર સામે છે. કોંગ્રેસ પાર્ટીમાં ૨૪ વર્ષ બાદ ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિ અધ્યક્ષ બનશે.

Related Posts