સૌરાષ્ટ - કચ્છ

ગિરનાર પર ૯૦થી ૧૦૦ની સ્પીડે ભારે પવન ફૂંકાયો : રોપ-વે સેવાને અસર

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે, જેના કારણે વાતાવરણ ધુમ્મસવાળું જાેવા મળી રહ્યું છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાયો છે, જેની અસર ગિરનાર રોપ-વે સેવા પર પડી છે. ગિરનાર પર ભારે પવન ફૂંકાતા આજે રોપ-વે સેવા બંધ કરવાની ફરજ પડી છે. જાણવા મળી રહ્યું છે કે ગિરનાર પર્વત પર ૯૦થી ૧૦૦ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જૂનાગઢ શહેરમાં પણ તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે હવે પવનની ગતિ ધીમી પડે તો જ ગિરનાર રોપ વે ફરી શરૂ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. અગાઉ ૬ ઓગસ્ટના રોજ ગિરનારની રોપ-વે સેવા શરૂ થઇ હતી.

તે સમયે ભારે પવનને લઇને ૧૦ દિવસ રોપ-વે સેવા બંધ કરાઇ હતી. તમને જણાવીએ કે શુક્રવારે શ્રદ્ધાળુઓની સલામતી માટે સવારે ગિરનાર રોપ-વેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ભારે પવન હોવાનું નોંધાયું હતું. જેથી, શનિવાર પણ રોપ વે સેવા શરુ કરવામાં આવી નથી. રોપ-વે બંધ હોવાથી ભગવાનના દર્શનાર્થે આવેલા અને રોપ વેમાં બેસવા ઈચ્છતાં લોકોમાં નિરાશા છે. રાજ્યમાં હાલ વરસાદી માહોલના કારણે ચારેબાજુ હરિયાળી જાેવા મળી રહી છે. તેટલું જ નહીં, જુનાગઢ, ગિરનાર તેમજ આસપાસના જંગલ વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે. બે દિવસ પહેલા વેરાવળમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. વરસાદની સાથે-સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

Related Posts