અમરેલી

ગીરના અંતરિયાળ ગામ કરમદડી પ્રા.શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ-૨૩ કાર્યક્રમ સંપન્ન

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હાલ ગુજરાતમાં સંભવિત સાયક્લોન ‘બિપરજોય’ના પગલે કેટલાક જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ-૨૩ કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને ધારી નજીક કરમદડી પ્રાથમિક શાળા ખાતે (ગીરના અંતરિયાળ ગામ) શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. બાલવાટિકામાં ૧૦ કુમાર, ૧૩ કન્યા સહિત ૨૩ ભૂલકાઓએ પા પા પગલી માંડી ઉપરાંત આંગણવાડીમાં ૬ કુમાર, ૬ કન્યા સહિત ૧૨ ભૂલકાઓએ પ્રવેશ કર્યો હતો. ભૂલકાઓએ શાળામાં હોંશે હોંશે પ્રવેશ કરીને શાળાના પરિસરને ધબકતું કર્યું હતું. પ્રવેશપાત્ર તમામ બાળકોને સ્કૂલ કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લા કલેક્ટરશ્રી દહિયાએ અહીં એસ.એમ.સી બેઠકને પણ સંબોધી હતી. ગ્રામજનો, પ્રાથમિક શાળા અને આંગણવાડીના વિવિધ પ્રશ્નો પણ સાંભળ્યા હતા. તેમણે વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી પણ આપી હતી.

      આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી દહિયાએ જણાવ્યુ કે, વિશ્વના અનેક દેશ એવાં છે જેમણે કન્યાઓની કેળવણીને મહત્વ આપ્યું અને તેના કારણે એટલો મોટો બદલાવ આવ્યો કે તે તમામ દેશ આજે વિકસિત બન્યા. વધુમાં તેમણે કહ્યુ કે, દરેક બાળકીને શિક્ષણ આપવી જોઈએ જેથી સામાજિક વિકાસના સ્તરમાં વધારો થાય  અને રાષ્ટ્ર વધુ વિકસિત બની શકે. તેમણે ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

      શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કરમદડી ગામના અગ્રણીશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રી પરમાર, શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ વાઘેલા, શિક્ષકો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts