અમરેલી

ગીરની ગોદમાં સાવજોના રહેઠાણની વચ્ચે વન વિભાગની અનોખી પ્રકૃતિ શિક્ષણ શિબિર

અમરેલી જિલ્લાને કુદરતે છુટા હાથે પ્રકૃતિની ભેટ આપી છે. એક બાજુ ગીરના ઘેઘુર જંગલો છે તો બીજી બાજુ અરબી સમુદ્રનો કાંઠો, આમ અમરેલી જિલ્લો પ્રકૃતિ અને પર્યાવરણની દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. અહીં ગાંડી ગીરનું અપાર સૌંદર્ય પથરાયેલું છે. જ્યાં પ્રકૃતિ હોય ત્યાં તેનું જનત અને પ્રકૃતિનું સંવર્ધન કરવું પણ આવશ્યક બની જાય છે. જો કે, પ્રકૃતિના જતન માટે આમ તો કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી પરંતુ આવનારી પેઢીને પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવોનું મહત્વ સમજાય તેવા ઉત્તમ આશયથી વન વિભાગ ગીર(પૂર્વ) ધારી દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ-ધારી દ્વારા પ્રવાસન રેન્જ હેઠળ ગીરમાં આવેલા ચિખલકુબા ગામે વિદ્યાર્થીઓને પ્રકૃતિનું શિક્ષણ આપવાના હેતુથી એક કેમ્પ સાઈટ તૈયાર કરવામાં આવી છે. 

આ કેમ્પ સાઈટ પર આશરે ૧૫ વર્ષથી પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઈ રહી છે. વન વિભાગ દ્વારા અગાઉ આ શિબિર જુદી-જુદી સાઈટ પર યોજવામાં આવતી હતી. જો કે, હવે વન વિભાગ ધારીના વન સંરક્ષકશ્રી રાજદિપસિંહ ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ વન સંરક્ષકશ્રી શૈલેષ ત્રિવેદીના સઘન પ્રયાસો થકી ચિખલકુબા ખાતે કાયમી કેમ્પ સાઈટ તૈયાર કરી દેવામાં આવી છે. જ્યારે ફોરેસ્ટરશ્રી ભલગરીયા દ્વારા આ કેમ્પના સંયોજક તરીકે તમામ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવે છે.  આ કેમ્પ સાઈટ પર પ્રતિવર્ષ શિયાળામાં એક મહિના દરમિયાન ત્રિ-દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવે છે. શિબિરમાં મુખ્યત્વે વન વિભાગ ગીર (પૂર્વ) ધારી હેઠળ આવતા અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે.

આ વર્ષે હાલમાં અત્યાર સુધીમાં ૦૮ શિબિર સમાપ્ત થઈ ચૂકી છે. હાલમાં ૦૯ શિબિર કાર્યરત છે. આ વર્ષે ૧૫ જેટલી શિબિર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક શિબિરમાં જુદી-જુદી ૦૩ શાળાનાં ૪૫ વિદ્યાર્થીઓને આ કેમ્પમાં જવાનો અવસર મળે છે. પ્રત્યેક શિબિરમાં વન વિભાગના અધિકારીશ્રીઓ અને પ્રશિક્ષકો દ્વારા ખૂબ જ ઉંડાણપૂર્વક પ્રકૃતિનું શિક્ષણ આપવામાં આવે છે. ચિખલકુબા ખાતે તૈયાર કરવામાં આવેલી સાઈટ પર વિદ્યાર્થીઓને રહેવાની, જમવાની એમ તમામ સવલતો નિ:શુલ્ક આપવામાં આવે છે. અહીં ગાંડી ગીરના ડુંગરોની વચ્ચે ઘેઘુર જંગલોમાં સાવજની ડણક સંભળાયા કરે છે તો, કેટલાક અતિ દુર્લભ વૃક્ષો, પક્ષીઓ અને વન્યજીવો પણ જોવા મળે છે. 

આ પ્રકૃતિ શિબિર વિશે માહિતી આપતા વન વિભાગ ધારીના ઈન્ચાર્જ એસીએફશ્રી શૈલેષ ત્રિવેદીએ જણાવ્યું કે,  બાળકોને પ્રકૃતિનું શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. પ્રકૃતિ અને આપણે એકબીજાથી અલગ નથી. પ્રકૃતિમાં વસતા દરેક જીવો, વૃક્ષો, ફૂલો સહિતની તમામ સંપદાનું શું મહત્વ છે અને જો એ ન હોય તો શું નુકસાન થાય તેની પાકી સમજ આપવાના હેતુથી અમે આ નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. અહીં વિદ્યાર્થીઓને વિવિધ વનસ્પતિઓ, પ્રાણીઓ, પક્ષીઓના દર્શનનો લાભ મળે છે. પ્રશિક્ષકો દ્વારા તેના અંગે વિસ્તૃત સમજ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં કેમ્પમાં શૈક્ષણિક વીડિયો દર્શાવવામાં આવે છે., કેમ્પના અંતે બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવે છે. અગાઉ અહીં પાકા મકાનો નહોતા પરંતું અમે હાલમાં જ આ કેમ્પ સાઈટને એક કાયમી જગ્યા તરીકે સુંદર રીતે આયોજનબદ્ધ વિકસિત કરી છે અને વ્યવસ્થાઓ ઉભી કરી છે. 

આ કેમ્પમાં વિદ્યાર્થીઓ પહોંચે એટલે તુરંત તેમનું રજિસ્ટ્રેશન કરી અને તેમને એક કિટ આપવામાં આવે છે, આ કિટમાં નોટપેડ, પેન, અને પ્રકૃતિની સમજ આપતી બે હેન્ડબુક હોય છે. વન વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા કેમ્પનું શિડ્યુલ સમજાવવામાં આવે છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે રમણીય રાવલ નદીના કાંઠે તૈયાર કરવામાં આવેલા વૉચ ટાવર ખાતે લઈ જવામાં આવે છે. અહીં પક્ષીદર્શનનો અદ્ભૂત લ્હાવો મળે છે અને પ્રકૃતિની વચ્ચે મનને ચીરશાંતિનો અહેસાસ થાય છે. કેમ્પમાં પ્રથમ અને બીજી રાત્રિએ કેમ્પફાયર થાય છે.

કેમ્પમાં પ્રેમાળ ભાવથી સ્વાદિષ્ટ ભોજન પીરસતા રસોઈયા ભીમભાઈ દ્વારા ગીરના લોકગીતો અને બાળગીતોની રમઝટ બોલાવવામાં આવે છે. બાળકો પણ કેમ્પ ફાયરમાં પોતાની કલાકૃતિઓ રજૂ કરે છે. કેમ્પમાં બીજા દિવસે સવારે અને સાંજે એમ બે અલગ-અલગ જગ્યાએ આંબરડી સફારી પાર્કની બસમાં બેસાડી અને ટ્રેકિંગ સાઈટ પર લઈ જવામાં આવે છે. ટ્રેકિંગમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ, વનસ્પતિઓ, દુર્લભ પક્ષી દર્શનનો લાભ મળે છે અને તેનાં નામ, કામ અને પ્રકૃતિમાં તેમના યોગદાન અંગે પ્રશિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવે છે. બપોરના વિરામ સમયે બાળકોને ચિત્ર દોરવા સહિતના રચનાત્મક કાર્યો કરાવવામાં આવે છે. કેમ્પમાં આવતા બાળકોને મોટાભાગે ટ્રેકિંગ દરમિયાન મોટાભાગે ગીરના ગૌરવ એવા એશિયાઈ સિંહના દર્શન થઈ જાય છે.

સાવજને સુરક્ષિત અંતરેથી જોઈને બાળકોના રોમેરોમ રોમાંચિત થઈ જતા હોવાના અનુભવો કેમ્પના અંતે બાળકો પાસેથી જ સાંભળવા મળે છે. આ સમગ્ર કેમ્પ બાળકોના માનસ પર પ્રકૃતિ જતનની ન વિસરાય તેવી યાદો સાથે ઊંડી છાપ છોડી જાય છે. આ ઉપરાંત કેમ્પમાં આવનારા પ્રત્યેક વિદ્યાર્થીને આંબરડી સફારી પાર્કની નિ:શુલ્ક મુલાકાત કરવાનો અવસર પણ મળે છે. વન્ય પ્રાણીઓ રસ્તામાં મળી જાય તો શું કરવું? વન વિભાગની ૧૯૨૬ હેલ્પલાઈનનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?  સાપ ડંશે તો શું કરવું? કેટલા પ્રકારના અને કેવાં કેવાં સાપ જોવા મળે છે? વગેરે જેવી અનેક ઉપયોગી જાણકારીઓ આ કેમ્પનું ભાથું છે. આ ગાંડી ગીર છે! જે રોમરોમને રોમાંચિત કરી મુકે છે! અહીં ગીર જંગલના રાજા હાવજ વિહરતા વિહરતા ગરજે છે…! જે ગીરનું ગૌરવ છે…ગુજરાતની શાન છે….ભારતની ઓળખ છે!

Follow Me:

Related Posts