fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગીર સોમનાથના કોડીનારમાં દીપડાએ મહિલા પર કર્યો જીવલેણ હુમલો, નીપજ્યું મોત

કોડીનારના ઘાંટવડ ગામમાં આધેડ મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા મહિલાનું કમકમાટીભર્યું મૃત્યું નીપજ્યુ છે. રાત્રે રહેણાક મકાન પાસે માલ ઢોરને ચારો નાખતી વખતે દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જંગલ નજીકના ઘાટવડ ગામમાં એકજ મહિનામાં બીજી વખત દીપડાના જીવલેણ હુમલાથી લોકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં દીપડાએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો છે. પોતાના પાલતુ પશુને ઘાસચારો આપતા હતા ત્યારે અચાનક પાછળથી દીપડાએ હુમલો કરીને ગળું પકડી લીધું હતુ. જેના કારણે મહિલાની માત્ર એક ચીસ નીકળી હતી. અવાજ સાંભળી પરિવારજનો દોડી આવતા દીપડો મહિલાને ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટ્યો હતો. મહિલાને તાત્કાલિક ૧૦૮ દ્વારા કોડીનારની આર.એન.વાળા હોસ્પિટલે ખસેડતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા ઘાટવડ ગામમાં ઉગ્ર રોષ સાથે શોકનો માહોલ ફેલાયો છે. કોડીનારના ઘાટવડ ગામે માત્ર એક મહિના પહેલા જ દીપડાના હુમલામાં એક મહિલાનું મોત થયું હતું.

ત્યારે આજે ફરી વખત દીપડાના હુમલામાં મહિલાનું મોત થતા ઘાટવડ ગામમાં રોષ સાથે શોકનો માહોલ ફેલાયો છે. મૃતક મહિલા કૈલાશબા મકવાણાના પરિવારજનો અત્યંત દુઃખ સાથે આ માનવભક્ષી દીપડાના ત્રાસમાંથી ગામને છોડાવવા સરકારને અપીલ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોડીનાર પંથકમાં નજીકના ભૂતકાળમાં માનવભક્ષી દીપડાના ઘાંટવડ, ચીડીવાવ, વિઠ્ઠલપુર, ગીર- દેવળી સહિતના ગામોમાં હુમલાના બનાવો બન્યા હતા. ત્યારે વધુ એક આ બનાવ બનતા મોડી રાત્રીના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ વાડીમાં રખોપુ કરવા જતાં ખેડૂતો અને આ વિસ્તારના લોકોમાં દીપડાના ભારે આતંક સાથે ભય નો માહોલ છવાયો છે. તો ભૂતકાળમાં કોડીનાર તાલુકા સરપંચ સંઘ દ્વારા પણ આ બાબતે વન વિભાગને લેખિતમાં જાણ પણ કરવામાં આવી હતી. આવેદનો પણ આપવામાં આવ્યા હતા. આમ છતાં આજે દીપડાના હુમલામાં ઘાટવડ ગામની મહિલાનું મૃત્યું થતા ગ્રામજનોમાં શોક સાથે રોષનો માહોલ વ્યાપ્યો છે. ઘાટવડ ગામ ગીર બોર્ડર નજીકનું હોય ગામમાં અવાર-નવાર વન્ય પ્રાણીઓ આવી ચડે છે. વર્ષો પહેલા માત્ર સિમ વિસ્તારમાં દીપડાનો ત્રાસ હતો. હવે તો દીપડાઓ ગામમાં ઘુસી આવવા લાગ્યા છે! ત્યારે ખેડૂતોએ ક્યાં જવું તે યક્ષ પ્રશ્ન બન્યો છે.

Follow Me:

Related Posts