ગુજરાતનાં ભુજમાં મોડી રાત્રે એક મોટો ચમકારો જાેવા મળ્યો

ગુજરાતના કચ્છમાં મોડી રાત્રે એક અજીબ ઘટના બની હતી જેમાં ભુજ તાલુકાના પૈયા વરનોરા ગામ નજીક રાત્રે અચાનક એક મોટો પ્રકાશનો ચમકારો જાેવા મળ્યો હતો. આ વિચિત્ર દ્રશ્ય જાેઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને લોકો અચંબિત થઈ ગયા છે. સાથે લોકો મૂંઝવણમાં પણ મૂકાયા છે કે આ શું હતું? ઉલ્કા હતી કે એલિયન? જાે કે, સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
કચ્છ જિલ્લામાં ભુજથી લઈ ભચાઉ અને લખપત સુધીમાં વહેલી સવારે ૩.૧૨ વાગ્યે કેટલીક ક્ષણો માટે આકાશમાં અચાનક ચમકારો જાેવા મળ્યો હતો. ચોમાસાની વીજળી ચમકે એવી રીતે જ થોડી સેકન્ડ માટે ચમકારો થયો હતો. સમગ્ર વિસ્તારમાં રાત્રે અચાનક દિવસ જેવું અજવાળું થઈ ચૂક્યું હતું. નજરે જાેનારા લોકોએ આ અંગે જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુને કારણે ઘણા લોકો અગાસીમાં સૂતા હતા. આ દરમિયાન આકાશમાં કેટલીક ક્ષણો માટે અચાનક ચમકારો થયો હતો. આ ઘટનાથી લોકોમાં ડરનો માહોલ પણ ફેલાયો હતો. સીસીટીવીના દ્રશ્યો જાેતાં અંદાજ લગાવી શકાય છે કે ઉલ્કા પ્રમાણમાં થોડા મોટા કદની હશે. વર્ષો અગાઉ લખપત નજીક લુણા પાસે રચાયેલું મોટું સરોવર એ ઉલ્કાપાતનું જ પરિણામ છે. મોટા કદની ઉલ્કા ખાબકતાં જમીન પર મોટો ખાડો પડી ગયેલો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ પ્રસરી ચૂક્યો છે. સ્થાનિકોને પોતાના સીસીટીવી ફૂટેજમાં આ ઘટના જાેવા મળી હતી. ત્યારે હવે સોશિયલ મીડિયામાં લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું આ ઉલ્કા હતી કે પછી એલિયન? જાે કે, ખગોળશાસ્ત્ર મુજબ, પૃથ્વીના વાતાવરણમાં દરરોજ મોટી સંખ્યામાં ઉલ્કાઓ ખાબકતી હોય છે. વાતાવરણમાં પ્રવેશતા જ તે બળીને રાખ થઈ જતી હોય છે. ઘણી વખત વાતાવરણના સંપર્કમાં આવતાની સાથે જ ઘર્ષણના કારણે ઉલ્કા આગનો ગોળો (ફાયર બૉલ) બની જતી હોય છે, ત્યારબાદ તે નાનાં ટૂકડામાં વેરાઈ જતી હોય છે. આપણે જેને ખરતાં તારા કે અંગ્રેજીમાં શૂટિંગ સ્ટાર યા ફૉલન સ્ટાર કહીએ છીએ તે ઉલ્કાપાત જ છે. તેથી પ્રાથમિક અંદાજ અનુસાર, આ તેજસ્વી પ્રકાશપૂંજ એ કોઈ ઉલ્કા પડી હોઈ શકે છે. જાે કે, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.
Recent Comments