ગુજરાતના કારીગરોએ હરિયાણામાં પંખીઓને રહેવા માટે ૭૩ ફુટ ઊંચો ટાવર બનાવી આપ્યો
મહેન્દ્રગઢઃ પંખીઓનો કલરવ ધીમે ધીમે ઓછો થતો જાય છે. એક સમય હતો, જ્યારે પક્ષીઓનો કલરવ સાથે સવારની શરુઆત થતી હતી. આપણા ઘરોમાં ઝાડ છોડ પર પંખીઓના ટોળેટોળા રહેતા હતા. લોકોના ઘરોમાં જ્યાં જગ્યા મળતી, ત્યા માળો બનાવી દેતા હતા. જાે કે, ઝડપથી સમય બદલાઈ રહ્યો છે અને આધુનિકતાની દોડમાં માણસે પ્રકૃતિને એવી ઈજા પહોંચાડી છે કે, માણસોએ પોતાની જાતને પણ ખતરામાં નાખી દીધી છે. ત્યારે આવા સમયે પશુ-પંખીઓની હાલત શું થતી હશે, તેના વિશે વિચારો. જંગલોની કાપણી, શહેરીકરણ, પ્રદૂષણના કારણે કેટલાય પંખીઓની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે અથવા લુપ્ત થવાના આરે આવીને ઊભી છે. એટલે તો, વહેલી સવારે પંખીઓનો કલરવ ઓછો સંભળાય છે. મોટા મોટા શહેરોમાં નહીં પણ ગામડા પણ આવી જ હાલત છે. જ્યારે પંખીઓના ઘરો પર માણસોએ કુહાડી ચલાવી છે, ત્યારથી પંખીઓની સંખ્યા પણ ઘટવા લાગી છે.
પણ અમુક સમાસેવી લોકો એવા છે, જે પોતાના સ્તર પર આ અબોલ જીવ માટે કામ કરતા હોય છે. તેમાંથી એક છે બાબા જયરામ દાસ મંદિર કમિટી, જે પક્ષીઓ માટે કેટલાય ફુટ ઊંચો ટાવર બનાવી રહ્યા છે. તેમાંથી હજારો પક્ષીઓ રહી શકશે.મહેન્દ્રગઢના બાબા જયરામ દાસ ધામ પાલીમાં હરિયાણાનું સૌથી ઊંચું પક્ષી ઘર બનાવ્યું છે. ૧૫ લાખ રૂપિયાના ખર્ચથી બનેલા આ પક્ષી ઘરની ઊંચાઈ ૭૩ ફુટ છે. ગુજરાતના કારીગરોએ તેને ફક્ત ૩૮ દિવસમાં બનાવ્યું છે. તેમાં જે પણ સામાન વપરાયો છે, તે ગુજરાતના સિદ્ધપુરમાંથી મગાવ્યો છે. લગભગ ૩ હજાર જેટલા પક્ષીઓ આ ઘરમાં રહી શકશે.અહીં ઉલ્લેખનિય છે કે બાબા જયરામ દાસ ધામ પાલીમાં આશ્રમ અને ગામલોકોના સહયોગથી પક્ષીઓના સંરક્ષણ માટે બનાવેલું આ પક્ષીઘર છે. જે આ વિસ્તાર સહિત રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. બાબા જયરામ દાસ ધામ પાલીમાં આશ્રમના સંચાલકોનું કહેવું છે કે, ટૂંક સમયમાં જિલ્લામાં આવા હજુ પણ અન્ય પક્ષીઘરો બનાવામાં આવશે. હાલમાં આવા ૨૫ પક્ષીઘર બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે.પક્ષી ઘરના સંયોજનનું કામ જાેઈ રહેલા કૈલાસ પાલીનું કહેવું છે કે, આ પક્ષી ઘર ભારતનું સૌથી ઊંચુ પક્ષી ઘર છે અને સમગ્ર વિસ્તારમાં તે એક ગર્વનો વિષય છે. જેમાં સૌથી નીચે ચકલી જેવા નાના પક્ષીઓના માળા બનાવ્યા છે. ઉપરના ૭ માળમાં કબૂતર, કોયલ, કાયડા, હોલા, પોપટ જેવા પક્ષીઓ માટેના ઘર છે. આ પક્ષી ઘરમાં જે માળા છે, તેનું તાપમાન પણ ધ્યાને રાખવામાં આવ્યું છે. પક્ષીઓ માટે પાણીની પણ પુરતી વ્યવસ્થા કરી છે.બાબા જયરામ દાસ મંદિર કમિટીના સહયોગ ઉપરાંત વિજય કુમાર નાંગલિયા, નલિનિ નાંગલિયા, સજ્જન કુમાર વર્મા, આનંદ પ્રકાશ શર્મા, રોહતાસ અગ્રવાલ અને આચાર્ય કમલકાંતે પક્ષી ટાવર બનાવામાં આર્થિક મદદ કરી છે. આ ઉપરાંત ફાળો ઉઘરાવીને આ કામ કર્યું છે.
Recent Comments