ગુજરાત

ગુજરાતના રાજકારણમાં પાટીદારોનું વર્ચસ્વ

ગુજરાતમાં વિધાનસભા કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે પાટીદાર નેતાઓ સમાજના વર્ચસ્વની વાતો કરવા લાગે છે તો રાજકીય પક્ષો જ્ઞાતિવાદનું રાજકારણ ઊભું કરી પાટીદારોના મત મેળવવા પ્રયાસો કરતા આવ્યા છે, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પાટીદાર નેતાઓ પોતાનું વર્ચસ્વ ઊભું કરવા કંઈ ને કંઈ એવા નિવેદન કરે છે, જેને કારણે તેમની તરફ બધા પક્ષોનું ધ્યાન ખેંચાય છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે પાટીદાર મતદારો ચર્ચામાં હતા, જ્યારે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં ખોડલધામના પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલે ‘પાટીદાર મુખ્યમંત્રી હોવા જાેઈએ’નું નિવેદન કરી ફરી એકવાર સમાજનું વર્ચસ્વ વધારવાની શરૂઆત કરી હતી. બીજી તરફ, ગુજરાતમાં ફરી એકવાર પાટીદાર સમાજના નામે રાજકીય ચર્ચા શરૂ થતાં જ ભાજપે પણ પાટીદારોના ગઢ ગણાતા મતવિસ્તારમાં પાટીદાર કેન્દ્રીય મંત્રીઓની યાત્રાની સાથે પાટીદારોનો પ્રેમ મેળવવા નિવેદનો શરૂ કર્યાં છે.

ગુજરાતના રાજકારણનો પાટીદાર સમાજ પાવરફુલ જ રહ્યો છે, રાજ્યના કુલ મતદારોના ૧૫ ટકા, એટલે કે વિધાનસભાની ૭૧ બેઠક પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપથી રિસાયેલા છે. તેમને મનાવવા માટે ભાજપે બે પાટીદાર કેન્દ્રીય મંત્રીને પ્રવાસ માટે ઉતાર્યા છે. આ બંને કેન્દ્રીય મંત્રી પાટીદારોનો પ્રેમ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે, કેમ કે આગામી ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૫૦થી વધુ બેઠકોનો લક્ષ્યાંક પાર કરવો હશે, પાટીદારોનો પ્રેમ પાછો લેવો પડશે, એવું એક તારણ ભાજપના આંતરિક સર્વેમાં આવ્યું હતું. ૨૦૧૭ની ચૂંટણીમાં પાટીદારોને કારણે ભાજપની ૮ બેઠક ઘટી ગઈ હતી. ગુજરાતમાં પાટીદાર મતદારોના દબદબા વચ્ચે ૪ મુખ્યમંત્રી બન્યા, જેમાં ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બેવાર મુખ્યમંત્રી બન્યા છતાં પણ પાંચ વર્ષ સત્તા પર ના ટકી શક્યા. ઈતિહાસ જાેઈએ તો બાબુભાઈ પટેલથી કેશુભાઈ પટેલ સહિત કોઈ પાટીદાર મુખ્યમંત્રી ગમે તે કારણોસર મુદત પૂરી ન કરી શક્યા. બાબુભાઈને કટોકટી નડી, ચીમનભાઈને પહેલી વખત નવનિર્માણ આંદોલન નડ્યું, બીજી વખત મુખ્યમંત્રીકાળ દરમિયાન જ તેમનું અવસાન થયું હતું, તો કેશુભાઈ પટેલને એક વખત ભાજપના બળવાખોરોએ ઊથલાવ્યા, તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાડે રાજીનામું માગી લઈ તેમને સત્તા પરથી દૂર કર્યા. આનંદીબેન પટેલે ઉંમરનું બહાનું આપ્યું હતું, પરંતુ તેમને પાટીદાર અનામત આંદોલન અને સ્થાનિક ચૂંટણીનાં પરિણામો જ નડી ગયાં હતાં.

રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદારની ૧૫ ટકા વસતિને કારણે ચૂંટણીમાં સીધી અસર કરી જાય છે. એ જાેતાં વિધાનસભાની ૨૦૧૨ અને ૨૦૧૭ની ચૂંટણીનાં પરિણામો જાેઈએ તો ૨૦૧૨માં ગુજરાતમાં કુલ ૧૮૨ ધારાસભ્યમાંથી ૫૦ ધારાસભ્ય પાટીદાર હતા, જેમાંથી ૩૬ ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. ૨૦૧૬માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ૨૮ અને કોંગ્રેસના ૨૦ પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા, એટલે કે ૨૦૧૭માં ભાજપના ૮ પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો. ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી ૫૦ બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજાેધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.આ સાથે અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા, કલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જાેવા મળે છે. ગુજરાતમાં હાલ ભાજપના ૪૪ ધારાસભ્ય, ૬ સાંસદ ઉપરાંત ત્રણ સાંસદ હાલ રાજ્યસભામાં પાટીદાર છે. ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીની વિદાય બાદ પાટીદારોનું જાેર વધ્યું હતું, ૨૦૧૫માં ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હોવા છતાં પણ પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું, જેને કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. એટલું જ નહીં, પાટીદારો ભાજપથી નારાજ થવા લાગ્યા હતા. આને કારણે ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર ૯૯ બેઠક મળી હતી અને કોંગ્રેસને લગભગ ૮૩ બેઠક મળી હતી. એ વખતે પણ ભાજપનો વોટ શેર ૧ ટકા અને કોંગ્રેસનો વોટ શેર ૨ ટકા વધ્યો હતો. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ૧૧૫ બેઠક હતી, જે ૨૦૧૭માં ઘટીને ૯૯ થઈ હતી. જ્યારે ૨૦૧૭માં કોંગ્રેસે ૧૬ સીટ વધારે મેળવી હતી, પણ એ વખતે પાટીદાર અનામત આંદોલનનો લાભ કોંગ્રેસને મળ્યો હતો.

Related Posts