fbpx
ગુજરાત

ગુજરાતના લોકોની સમસ્યાઓ અને મેટ્રો રેલ પ્રોજેક્ટમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગેના માન. વડાપ્રધાનને કેટલાક સવાલો : શક્તિસિંહ ગોહિલે

માનનીય વડાપ્રધાનશ્રી તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ જ્યારે ગુજરાતમાં છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે અને સાથોસાથ એક જવાબદાર રચનાત્મક વિરોધપક્ષ તરીકે ગુજરાતના લોકોની સમસ્યાઓ અને મેટ્રો રેલ પ્રોજેક્ટમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગેના કેટલાક સવાલો પૂછતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ૨૦૦૩માં ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઝડપી મુસાફરી થઈ શકે તે માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ તૈયાર થયો હતો. ૨૦૦૫ના જૂન મહિનામાં પ્રોજેક્ટ રૂ. ૪,૨૯૫ કરોડનો તૈયાર કરીને કોંગ્રેસની આગેવાનીવાળી કેન્દ્ર સરકારને આપવામાં આવ્યો હતો.

કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે કોઈપણ વિલંબ વગર તે જ વર્ષમાં માત્ર ગણતરીના અઠવાડિયામાં અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. આમ, સવાલ એ છે કે ૨૦૦૫માં મંજૂર થયેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ ૧૯ વર્ષ પછી પણ માત્ર પસંદગીના થોડા જ ફેઝમાં કેમ શરૂ થયો ? રૂ. ૪,૨૯૫ કરોડનો પ્રોજેક્ટ આજે અનેકગણો ખર્ચાળ બન્યો તેના માટે જવાબદાર કોણ ? ગુજરાતને મેટ્રો રેલ પ્રોજેક્ટની મંજૂરી મળ્યાના કેટલાંય વર્ષો પછી રાજસ્થાનમાં જયપુરને મેટ્રો રેલ પ્રોજેક્ટની મંજૂરી મળી હતી. પરંતુ કોંગ્રેસની શ્રી અશોક ગેહતોલજીની સરકારે માત્ર ત્રણ વર્ષ અને આઠ મહિનામાં જયપુરમાં ફેઝ વન એ-ની મેટ્રો દોડતી કરી દીધી હતી અને ત્યારબાદ બીજા કામો પણ ગણતરીના સમયમાં જ પૂર્ણ કરી આપ્યા હતા. અને રાજસ્થાનના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કોઈ ભ્રષ્ટાચાર થયો હોવા અંગે કેગનો રીપોર્ટ ન આવ્યો, જેની સામે ગુજરાતની મેટ્રો રેલ પ્રોજેક્ટની કફોડી સ્થિતિ કેમ ?

ગુજરાત સરકારમાંથી રાજીનામું આપીને જેઓ અદાણી કંપનીમાં ચીફ એક્ઝીક્યુટીવ તરીકે જોડાયેલા હતા તેવા અદાણી કંપનીના શ્રી સંજય ગુપ્તાને મેટ્રો રેલ પ્રોજેક્ટના ચેરમેન શા માટે બનાવ્યા ? ગુજરાત સરકારના ચાલુ સક્ષમ અધિકારીઓને બાજુએ રાખીને અદાણી કંપનીમાં ચીફ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરેલા શ્રી સંજય ગુપ્તાને મેટ્રો રેલ પ્રોજેક્ટના ચેરમેન બનાવ્યા બાદ તટસ્થ ઓડીટ કરતી સંસ્થા કેગ દ્વારા ઓડીટ થયું અને તેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો. ટ્રકોથી માટી પુરાઈ છે એવા બિલો ઉધરેલા હતા ત્યાં કેગ દ્વારા ઉજાગર થયું કે જે નંબરો લખાયા હતા એ સ્કુટર અને રીક્ષાના નંબરો હતા અને કોઈ માટી નંખાઈ જ નહોતી ત્યાંના કરોડો રૂપિયા ઉધરાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સંજય ગુપ્તાને જેલમાં નાખવામાં આવ્યા અને કેટલાક વર્તુળોમાં મોટી ચર્ચા છે કે સંજય ગુપ્તાને બલિનો બકરો બનાવવામાં આવ્યા હતા અને જેલમાં જ તેઓને કોઈક રીતે ગંભીર રોગગ્રસ્ત કરી દેવામાં આવ્યા હતા અને તેથી લથડેલી તબિયતના કારણે જામીન મળ્યા બાદ તેઓનું મૃત્યુ થયું. આમ, જેને બલિનો બકરો બનાવેલા હતા તે મૃત્યુ પામે તો પછી સત્ય ક્યારેય બહાર ન આવે શું એવા કાવતરાના ભાગરૂપે શ્રી સંજય ગુપ્તાનું મૃત્યુ થયું હતું ? શું આ અંગે કોઈ તટસ્થ તપાસ કેમ નહીં કરવામાં આવી ?

તા. ૩૧-૩-૨૦૧૬ના રોજ કેગ દ્વારા જે રિપોર્ટ વિધાનસભામાં રજૂ થયો તેમાં પણ મેટ્રો રેલના ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવ્યો છે. ઈન્દ્રોડા અને ચિલોડા ખાતે ડીટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂર થાય તે પહેલાં જ કોન્ટ્રાક્ટના કામો આપી દેવામાં આવ્યા હતા અને ૩૭૩.૬૨ કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ડીટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટમાં મેટ્રો રેલનો આખો રૂટ જ બદલાવી દેવામાં આવ્યો અને પરિણામે ૩૭૩.૬૨ કરોડ રૂપિયા સંપૂર્ણપણે વ્યર્થ ગયા તેમ કેગના રિપોર્ટમાં જણાવાયું છે. તો આ રીતે ગુજરાતની જનતાના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ખવાયા છે તે અંગે માનનીય વડાપ્રધાનશ્રી સી.બી.આઈ., ઈ.ડી. કે નામદાર હાઈકોર્ટના સીટીંગ જજના વડપણ નીચે તપાસ કરાવશે ખરા ?

માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતમાં છે ત્યારે ગુજરાતના પૂરગ્રસ્ત લોકોની પરેશાની અંગે સ્થળ મુલાકાત લે તેવી ખાસ વિનંતી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં જે પાણીનો પ્રવાહ જતો હતો તેને અવરોધતા ઉભા થયેલા મોલ તથા બિલ્ડીંગોને તોડી પાડવામાં આવે અને પાણીનો પ્રવાહ જતો રસ્તો કે જે ગ્રીન ઝોન હતો તેને પુનઃ ગ્રીન ઝોનમાં કન્વર્ટ કરવામાં આવે તેમજ ઝોન બદલી કરીને બિલ્ડીંગો ઊભા કરાવનાર પદાધિકારીઓ અને અધિકારીઓએ જે ભ્રષ્ટાચાર કર્યો છે તે વસૂલ કરવામાં આવે તેવી વિનંતી છે. કચ્છના અબડાસામાં ભેદી રોગચાળાથી મૃત્યુ થઈ રહ્યા છે તે અંગે માનનીય વડાપ્રધાનશ્રી ખુદ સ્થળ પરની મુલાકાત લઈને લોકોની ચિંતા કરે તેવી વિનંતી છે. ખેડૂતો, નાના દુકાનદારો તથા લોકોના મકાનોમાં પારાવાર નુકસાન થયું છે તેને મશ્કરી સમાન પેકેજો નહીં પરંતુ પૂરતું વળતર આપવાના પેકેજની માનનીય વડાપ્રધાનશ્રી જાહેરાત કરે તેવી પણ આગ્રહભરી વિનંતી છે.

Follow Me:

Related Posts