ગુજરાત

ગુજરાતના સહકારી ક્ષેત્રનું ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન

આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એટલે વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી. વર્ષ ૧૯૨૩થી દર વર્ષે જુલાઈ માસના પ્રથમ શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ઉજવવામાં આવે છે. ભારત દેશ અનેક વર્ષોથી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો દેશ છે. સહકારી ક્ષેત્રની ક્ષમતાને ધ્યાને રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬ જુલાઈ, ૨૦૨૨ના રોજ ભારત સરકારના અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી હતી. જોગાનુજોગ, આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ અને સહકાર મંત્રાલયનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે ભારત સરકારે પ્રથમવાર “સહકારિતા દિવસ”ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં કરવાનો નિર્ણય કર્યોછે. ૬ જુલાઈના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને “આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ”ની ઉજવણી થશે.

સહકારિતા દિવસની ઉજવણી માટે ગુજરાતની પસંદગી પાછળ ગુજરાતમાં વધી રહેલી સહકારિતા પ્રવૃત્તિ અને સહકાર ક્ષેત્રની સિદ્ધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સહકારિતા પ્રવૃત્તિને વેગ આપીને ગુજરાતના સહકારી ક્ષેત્રમાં રહેલી ક્ષમતાને પ્રોત્સાહન આપી રહી છે. પરિણામે આજે ગુજરાતનું સહકારી ક્ષેત્ર ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ગત બે દાયકા દરમિયાન ગુજરાતે સહકારી ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના દિશા નિર્દેશન હેઠળ આજે સમગ્ર દેશમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ સહકારિતા પ્રવૃત્તિમાં અગ્રસ્થાન ધરાવે છે.

-બજાર સમિતિની આવક અને ટર્નઓવરમાં ૫૦૦ ટકાથી વધુનો વધારો

ગુજરાતના સહકાર ક્ષેત્રની સિદ્ધિ અંગે વાત કરીએ તો, અગાઉ રાજ્યની બજાર સમિતિઓનું ટર્નઓવર માત્ર રૂ. ૮,૦૦૦ કરોડ હતું, જે આજે વધીને રૂ. ૪૨,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છે, જ્યારે બજાર સમિતિની આવક રૂ. ૭૨.૮૦ કરોડથી વધીને રૂ. ૪૬૦ કરોડ જેટલી થઇ છે. સાથે જ બજાર સમિતિનાં ગોડાઉનોની સંગ્રહ ક્ષમતા પણ ૪.૩૩ લાખ મેટ્રીક ટનથી વધીને ૧૩.૪૬ લાખ મેટ્રીક ટન જેટલી થઇ છે.

-રાજ્યમાં દૂધ મંડળીઓની સંખ્યા વધીને ૧૬,૦૦૦ સુધી પહોંચી


દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર છે. ગુજરાત સરકારે રાજ્યના દૂધ સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું છે. પહેલા ગુજરાતમાં પ્રાથમિક દૂધ મંડળીઓની સંખ્યા ૧૦,૬૩૬ જેટલી હતી, જે આજે વધીને ૧૬,૩૮૪ જેટલી થઇ છે. સાથે જ દૂધ સંઘ પણ બે દાયકામાં ૧૨ થી વધીને ૨૩ થયા છે, જેના પરિણામે ગુજરાતમાં દૈનિક દૂધ કલેક્શન પણ ૬૨ લાખ લીટરથી વધીને ૨૯૦ લાખ લીટર સુધી પહોંચ્યું છે. રાજ્યના ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનનું ટર્નઓવર જે પહેલા રૂ. ૨,૩૬૬ કરોડ હતું, તે આજે વધીને રૂ. ૬૧,૦૦૦ કરોડ થયું છે. દૂધ ઉત્પાદનમાં સતત પ્રગતિ કરી રહેલા ગુજરાત રાજ્યમાં પશુપાલકો પાસેથી દૂધ ખરીદીના સરેરાશ ભાવમાં પણ અધધ ૩૦૦ ટકા જેટલો વધારો આવ્યો છે અને પશુપાલકો સમૃદ્ધ થઇ રહ્યા છે.

-ખેડૂતોના પાક ધિરાણના વ્યાજ સહાય પેટે રૂ. ૮૭૭ કરોડ ચૂકવાયા

ગુજરાત સરકારે હંમેશા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંસ્થાઓની પડખે રહીને તેનો ખેડૂત હિતલક્ષી અભિગમ સ્પષ્ટ કર્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોને કોઇપણ વ્યાજ વિના પાક ધિરાણ આપવાનો દ્રઢ નિશ્ચય કર્યો, તેના પરિણામે ખેડૂતોના ભારણમાં મોટો ઘટાડો આવ્યો છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૪-૧૫માં ખેડૂતોના પાક ધિરાણની વ્યાસ સહાય તરીકે રૂ. ૧૨૫ કરોડનો ખર્ચ કર્યો હતો. જેની સામે વર્ષ ૨૦૨૨-૨૩માં રાજ્ય સરકારે ખેડૂતોના વ્યાજ સહાય પેટે કુલ રૂ. ૧૬૧૨ કરોડ જેટલો ખર્ચ કર્યો હતો. ખેડૂતોના પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે વર્ષ ૨૦૨૪-૨૫માં અત્યાર સુધીમાં રૂ. ૮૭૭ કરોડની ચૂકવણી કરાઈ છે. રાજ્યના કેટલાક ખેડૂતો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ખેડૂતો શેરડીનું વાવેતર કરી રહ્યા છે. આવા ખેડૂતો પોતે સહકારી ધોરણે સુગર ફેક્ટરી ચલાવે તે માટે રાજ્યમાં કેટલીક સહકારી સુગર ફેક્ટરીઓ કાર્યરત છે, જેમાં ખેડૂતોને ઉત્પાદન સામે વર્ષ ૨૦૦૨માં રૂ. ૭૯૦ થી રૂ. ૧૦૪૯ જેટલાં ભાવ ચૂકવવામાં આવતાં હતાં. આજે આ ખેડૂતોને ઉત્પાદન સામે રૂ. ૨૦૩૦ થી રૂ. ૩૯૬૧ જેટલા ભાવ ચૂકવવામાં આવે છે.

-પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીઓની રચના

સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને તેમજ ઉપજના પોષણક્ષમ ભાવ મળે અને તેનું યોગ્ય માર્કેટિંગ થઇ શકે તે માટે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૪૧૨ જેટલી પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે. રાજ્યમાં ખેડૂતો દ્વારા અનેક સહકારી મંડળીઓ એટલે કે પેક્સની (PACS) રચના કરવામાં આવી છે. આવી ખેડૂત સહકારી મંડળીઓને અદ્યતન તથા સુદ્રઢ બનાવવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના પ્રથમ તબક્કા હેઠળ રાજ્યની ૫,૭૫૪થી વધુ પેક્સની પસંદગી કરવામાં આવી છે. આ પેક્સને આગામી સમયમાં ડીઝીટલ કામગીરી માટે કમ્યુટર હાર્ડવેર તથા સોફ્ટવેર પૂરા પાડવામાં આવશે.

Related Posts