૩૬મી નેશનલ ગેમ્સમાં એક્વાટિક્સની વિવિધ સ્પર્ધાઓ રાજકોટમાં ચાલી રહી છે, તેમાં અગાઉના રાષ્ટ્રીય ખેલના રેકોર્ડ રોજ તૂટી રહ્યા છે અને નવા નેશનલ રેકોર્ડ બની રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ગુજરાતની સ્વિમર માના પટેલે પોતાનો જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. માના પટેલે ૨૦૦ મીટરબેક સ્ટ્રોક-મહિલાઓની સ્પર્ધા માત્ર ૨ મિનિટ ૧૯.૭૪ સેકન્ડમાં પૂરી કરીને પોતાનો ૨૦૧૫ના વર્ષનો ૨ મિનિટ ૨૩.૨૧ સેકન્ડનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. જ્યારે ૫૦ મીટર ફ્રી સ્ટાઈલ મહિલાઓની સ્પર્ધામાં સવારે તેણે ૨૬.૬૦ સેકન્ડ સાથે નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. જાે કે, ફાઈનલ સ્પર્ધામાં મહારાષ્ટ્રની અવંતિકા ચવ્હાણે માના પટેલનો સવારનો રેકોર્ડ તોડીને ૨૬.૫૪ સેકન્ડનો નવો રેકોર્ડ કાયમ કર્યો હતો.
૪૦૦ મીટર મીડલે-પુરુષ સ્પર્ધામાં એકથી ત્રીજા ક્રમે આવેલા ત્રણેય તરવૈયાએ ૨૦૧૫ના જૂના રાષ્ટ્રીય રેકોર્ડ ૪ મિનિટ ૩૭.૭૫ સેકન્ડના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. ગોલ્ડ વિજેતા મધ્યપ્રદેશના અદ્વૈત પાગેએ ૪ઃ૨૮.૯૧ મિનિટમાં આ સ્પર્ધા પૂર્ણ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે, તો કેરળના સજન પ્રકાશે ૪ઃ૩૦.૦૯ મિનિટ તથા ગુજરાતના આર્યન નહેરાએ આ સ્પર્ધા ૪ઃ૩૧.૦૩ મિનિટમાં પૂર્ણ કરી હતી.આ ઉપરાંત ૨૦૦ મીટર બેકસ્ટ્રોક-પુરુષની સ્પર્ધા કર્ણાટકના ઉત્કર્ષ પાટીલે ૨ મિનિટ ૦૫.૦૮ સેકન્ડમાં પૂર્ણ કરીને, ૨૦૧૫નો કેરળના માધુ પી.એસ.નો ૨ મિનિટ ૦૫.૬૬ સેકન્ડનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. હોકીની સ્પર્ધાના ત્રીજા દિવસે રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે કુલ ચાર મેચ રમાઇ હતી. જેમાં પ્રથમ મેચ હોકી પુરુષ ટીમનો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે રમાઇ હતી. જેમાં કર્ણાટકની ટીમ ૫-૧ ગોલ સાથે વિજેતા બની હતી. બીજી મેચ ઉત્તરપ્રદેશ અને ઝારખંડ વચ્ચે રમાઈ હતી. જેમાં ઉત્તર પ્રદેશની ટીમે ૪-૧થી મેચ જીતી હતી. જ્યારે ત્રીજી મેચ મહારાષ્ટ્ર અને હરિયાણા વચ્ચે રમાઈ હતી. જેમાં મહારાષ્ટ્રની ટીમે ૩-૧થી મેચ જીતી હતી.
ચોથી મેચ બંગાળ તેમજ ગુજરાત વચ્ચે રમાઈ હતી. જેમાં બંગાળની ટીમ ૮-૨થી વિજેતા બની હતી. રાજકોટમાં સરદાર પટેલ સ્નાનાગારમાં એક્વાટિક્સની વિવિધ સ્પર્ધાઓમાં રસાકસી સર્જાઈ હતી. જેમાં કર્ણાટક રાજ્યે સૌથી વધુ ૯ સુવર્ણ, ૩ રજત તથા ૫ મળીને કુલ ૧૭ મેડલ જીત્યા હતા.હાઈબોર્ડ-પુરુષોની સ્પર્ધામાં સર્વિસિસના સિદ્ધાર્થ પરદેશીએ સુવર્ણ, સર્વિસિસના સૌરવ દેબનાથે રજત તથા મહારાષ્ટ્રના ઓમ અવસ્થીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. વોટર પોલોમાં આજે બંગાળની ટીમ મણિપુરને હરાવીને ૨૭ ગોલ સાથે વિજેતા બની હતી. જ્યારે મહારાષ્ટ્રની ટીમે ૮ ગોલ કરીને કર્ણાટકને હરાવ્યું હતું. પુરુષોની સ્પર્ધામાં કેરળ પંજાબ સામે ૧૫ ગોલ નોંધાવી વિજેતા બન્યું તો મહારાષ્ટ્રની ટીમે ૧૪ ગોલ ફટકારીને મણિપુરની ટીમને કારમી હાર આપી હતી.
Recent Comments