ગુજરાત

ગુજરાતમાંથી એક માત્ર કુ. દયા ઝાપડિયા યુરોપમાં ભારતીય ટૂકડી સાથે રમશે

ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ કાર્યક્રમ અંતર્ગત તૈયાર થયેલ ભાવનગરની વિદ્યાર્થીની વુમેન યુથ હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત વતી હેન્ડબોલની વિશ્વ સ્પર્ધામાં રમશે. ભાવનગર જિલ્લાના વાળુકડ સ્થિત લોકવિદ્યાલયની વિદ્યાર્થિની કુ. દયા ઝાપડિયા યુરોપમાં યોજાનાર હેન્ડબોલની વિશ્વ સ્પર્ધામાં ભાગ
લેનાર ગુજરાતની એકમાત્ર ખેલાડી છે. યુરોપના નોર્થ મેકેડોનિયા પ્રાંતમાં વુમેન યુથ હેન્ડબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર કુ. દયા ઝાપડિયા ભારતીય ટૂકડી સાથે ભાગ લેનાર છે.

આગામી તારીખ ૩૦ જુલાઈથી ૧૦ ઓગષ્ટ દરમિયાન આ વિશ્વ સ્પર્ધા યોજાવામાં આવનાર છે. લોકવિદ્યાલય સંસ્થાના વડાશ્રી નાનુભાઈ શિરોયાના સંકલ્પ મુજબ શિક્ષણ સાથે તમામ કૌશલ્ય વિકસે તેવાં સઘન પ્રયાસો શિક્ષકો દ્વારા થઈ રહ્યાં છે. આ અંગે આ ખેલાડી વિદ્યાર્થિનીને તાલીમ આપનાર શ્રી પ્રવીણ સિંહ દ્વારા કવાયત, ખેલકૂદ વગેરે માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. જે સાથે શ્રી મોહસીન બેલીમ તથા શ્રી રાહુલ વેદાણી દ્વારા પણ સઘન તાલીમ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, શૈક્ષણિક પાઠ્યક્રમ સાથે ઈત્તર કૌશલ્ય વિકાસ માટે મોકળાશ હોઈ આ સંસ્થાના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં જિલ્લાથી લઈ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યાં છે.

આ સંસ્થાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં છેલ્લાં પાંચ વર્ષથી ગોલ્ડ મેડલ મેળવી રહ્યાં છે. ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ કાર્યક્રમ કે જે શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી ખેલ પ્રતિભા બહાર લાવી તેને પ્રશિક્ષિત કરવાં ચલાવવામાં આવે છે. તેમાં સંસ્થાના ૧૭૦ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં સહભાગી થાય છે. સંસ્થાના ૧૦૦ ખેલાડીઓ વિવિધ રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરેલાં છે.

સંસ્થાના કોચ અને શિક્ષકોનું પૂરતું માર્ગદર્શન આ વિદ્યાર્થીઓને મળે છે તેના કારણે આ શક્ય બન્યું છે. વિશ્વ કક્ષાએ હેન્ડબોલ સ્પર્ધામાં વેરાવળની વતની અને લોકવિદ્યાલયમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતી કુ. દયા ઝાપડિયા ગુજરાતમાંથી એકમાત્ર ખેલાડી છે જે ભારતીય ટૂકડી સાથે યુરોપના નોર્થ મેકેડોનિયા પ્રાંતમાં સ્કોપજે ખાતે દુનિયાના અન્ય દેશોની ટૂકડીઓ સામે રમશે. તાજેતરમાં જ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આ પ્રતિભાશાળી ખેલાડીને ભાવનગર જિલ્લા સમાહર્તા શ્રી યોગેશ નિરગુડેએ અભિવાદન કરી વધુ આગળ વધવાં માટે પ્રોત્સાહિત કરી હતી.

Related Posts