વિડિયો ગેલેરી

ગુજરાતમાં આગામી તા. ૨૧ નવેમ્બરના રોજ યોજાશે ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ
પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે
રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના વિવિધ જિલ્લામાં સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ ખાતે આગામી તા. ૨૧ નવેમ્બરના રોજ યોજાનારી આ મોકડ્રીલની
તૈયારીઓ સુનિશ્ચિત કરવા આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં SEOC-ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ
યોજાઈ હતી, જેમાં મંત્રી શ્રી મહીડાએ મોકડ્રીલને વધુ સાર્થક અને સફળ બનાવવા તમામ સંલગ્ન વિભાગો-સંસ્થાઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ ટેબલ ટોપ એકસરસાઈઝમાં જણાવ્યું હતું કે, આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં ભવિષ્યમાં
અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટેની રાજ્યની તૈયારી, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ઉદ્યોગો વચ્ચેનો સંકલન અને માનવ
સંસાધન તથા સાધનોની અસરકારકતા ચકાસવાનો છે. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવાને કારણે રાજ્યમાં આવતી દરેક આપત્તિઓ માટે સજ્જ
રહેવું ખૂબ જ અનિવાર્ય છે. એમાં પણ જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ મુખ્ય રિફાઇનરીઓ, રાસાયણિક હબ અને મોટા ટેન્ક-
સ્ટોરેજ સુવિધાઓની હાજરીને કારણે દરેક કટોકટી સામે સંપૂર્ણપણે તૈયાર રહેવું આવશ્યક છે.

તેમણે ભૂતકાળમાં બનેલી ભોપાલ ગેસ દુર્ઘટના અને વિશાખાપટ્ટનમ સ્ટાયરીન ગેસ લીક જેવી વિનાશક ઘટનાઓનો ઉલ્લેખ કરીને ઓઈલ અને
રાસાયણિક અકસ્માતો સામે તૈયારીનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ મોકડ્રીલ પૂરવાર કરશે કે, આપણું ગુજરાત સંકટના સમયે એક સંયુક્ત ટીમ તરીકે કાર્ય કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ
ઉપરાંત મંત્રીશ્રીએ દેશના આર્થિક હિતો માટે રાજ્યના સૌથી મહત્ત્વપૂર્ણ મોટા પેટ્રોકેમિકલ હબ, રિફાઇનરીઓ અને ઔદ્યોગિક ક્લસ્ટર્સની સલામતી
સુનિશ્ચિત કરવાની જવાબદારી પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે મોકડ્રીલમાં સહભાગી થવા બદલ રિલાયન્સ, નાયરા, ONGC OPaL, પેટ્રોનેટ LNG
અને દીનદયાલ પોર્ટ મુંદ્રા જેવા મુખ્ય ઉદ્યોગોની પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ મોકડ્રીલ સાથે સંકળાયેલા તમામ વિભાગોને સંપૂર્ણ-પાયાની મોક
એક્સરસાઈઝ પહેલાં અંતરાલો ઓળખવા અને તેને સંબોધવા વિનંતી કરી હતી, જેથી ગુજરાતને કટોકટી વ્યવસ્થાપનમાં રાષ્ટ્રીય મોડેલ બનાવી શકાય.

ગુજરાતને આપત્તિ વ્યવસ્થાપનનું રોલ મોડલ રાજ્ય ગણાવતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાત પર
આવતી દરેક આપત્તિ માટે સંપૂર્ણ વ્યવસ્થાને સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિવિધ વિષયો પર આપત્તિ વ્યવસ્થાપનની મોકડ્રીલનું

Page 2 of 2

આયોજન કરવામાં આવે છે. ગુજરાત દેશનું મેજર પેટ્રો કેમિકલ હબ હોવાથી ઓઈલ અને રસાયણ સંબંધિત આવતી કોઇપણ આપત્તિ સામે તૈયાર રહેવું
પણ ખૂબ જ જરૂરી છે. આપત્તિના સમયે રાજ્યનો દરેક વિભાગ અને એજન્સીઓ એક-બીજા સાથે તાલમેલથી વ્યવસ્થાપનનું કામ કરી શકે તે માટે આ
મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મોકડ્રીલને વધુ સાર્થક બનાવવા દરેક નોડલ અધિકારીઓને સક્રિય રીતે ભાગ લઈને અંતરાલો દૂર કરવા
માટે જરૂરી સૂચનો કરવા માટે આહ્વાન કર્યું હતું.

આ વેળાએ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સભ્ય લેફ્ટ. જનરલ શ્રી સૈયદ અતા હસનૈને સમગ્ર મોકડ્રીલને સફળ બનાવવા માટે જરૂરી
માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તદુપરાંત તેમણે, વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપ, બિપોરજોય વાવાઝોડું તેમજ તાજેતરમાં જ થયેલી વિમાન
દુર્ઘટના દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી અને તૈયારીઓની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું
કે, ગુજરાત આપત્તિ વ્યવસ્થાપનની અગોતરી તૈયારીઓ માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં લાવીને અલાયદું સત્તામંડળ સ્થાપવા વાળું દેશનું
પ્રથમ રાજ્ય છે.

આ ટેબલ ટોપ એક્સરસાઇઝમાં NDMA, GSDMA, SEOC, NDRF, SDRF, વિવિધ સૈન્ય દળો ઉપરાંત વિવિધ સંલગ્ન વિભાગો, સંસ્થાઓના
પ્રતિનિધિ-નોડલ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા કલેકટરશ્રીઓએ મોકડ્રીલ માટેની સંપૂર્ણ તૈયારીઓની માહિતી આપી હતી. જ્યારે, ઉપસ્થિત
મહાનુભાવોએ સંપૂર્ણ તૈયારીઓની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Related Posts