ગુજરાત

ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠુ થશે. આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, છોટાઉદેપુર, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ, સુરત અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, કચ્છ પંથકમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તો રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જાેર વધવાની શક્યતા પણ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે તેમજ ૨૩ જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બે દિવસ બાદ ઠંડીનો પ્રકોપ વધશે. બીજી તરફ ગુજરાતમાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થાય તેની સંભાવના છે. આગામી ૨૮ કલાક બાદ લઘુતમ તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો ૩ દિવસ સુધી ઘટાડો થતાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ શકે છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા હતા, હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે ૨૩ જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી ફરી વધશે.

Related Posts