ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન હવે ગામડાઓ સુધી પહોંચ્યુંગામડાઓમાં પોસ્ટર વોર, સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચાલું થયા
ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન હવે ગામડાઓ સુધી પહોંચ્યું છે ભલે શહેરમાં જુવાળ ન હોય પણ ગામડાઓમાં પોસ્ટર વોર શરૂ થયું છે. હવે સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચાલું થયા છે. ભાજપ આ તમામ બાબતો પર નજર રાખી રહી છે પણ ઝૂકવાના મૂડમાં નથી. ક્ષત્રિયો ભલે એક પણ બેઠક ન હરાવી શકે પણ ભાજપના ટાર્ગેટને નુક્સાન કરશે એ વાસ્તવિકતા છેગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વકરતું જાય છે. ભાજપ ૨૬માંથી ૧૨ બેઠકો પર દબદબો ધરાવતા પાટીદાર સમાજના રૂપાલાને રાજકોટથી લડાવવાના મૂડમાં છે ત્યાં આ આંદોલન દેશભરમાં ફેલાય તો નવાઈ નહીં. આજે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે આ મામલાનો જલદી ઉકેલ આવશે તેવી બાંહેધરી આપી છે પણ અંદાજિત ૭૫ લાખ મતબેંક ધરાવતા ક્ષત્રિયોનો વિવાદ દેશમાં પહોંચ્યો તો ૨૨ કરોડ મતદારો સુધી આ મામલો પહોંચશે.
ગુજરાતમાં ક્ષત્રિયોમાં ભાગલા પડ્યા હોવાથી ભાજપને આ આંદોલનથી નુક્સાન જવાનો નહિવત ડર છે પણ હવે વટનો સવાલ હોવાથી ક્ષત્રિયો પણ ઝૂકવાના મૂડમાં નથી. હવે આ વિવાદ એક બે નેતાઓના હાથમાં ન હોવાથી આ બાબતનો ઉકેલ આવે તેવી સંભાવના ઓછી છે. શહેરમાં ભલે આ આંદોલનની અસર દેખાતી ન હોય પણ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. ગામે ગામ ભાજપ વિરોધી પોસ્ટરો લાગવાના શરૂ થયા છે અને ક્ષત્રિયો ભાજપને વોટ ન આપવા માટે કુળદેવીના સોગંધ લઈ રહ્યાં છે.
રાજકોટમાંથી રૂપાલા ૧૬મીએ ફોર્મ ભરવાના છે એ પહેલાં ગુજરાતની રાજનીતિમાં મોટા ર્નિણયો લેવાય તો પણ નવાઈ નહીં કારણ કે ક્ષત્રિયો અને રૂપાલા વચ્ચે હવે આરપારની લડાઈ શરૂ થઈ છે. રૂપાલા ભલે ૫ લાખની લીડથી જીતી જાય પણ રૂપાલાને કારણે લાખો વોટ તૂટશે એ પણ હકિકત છે. ક્ષત્રિયોએ હવે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અને ભાજપના વોટ તોડવા માટે રીતસરનું કેમ્પેઈન ચલાવી રહ્યાં છે.
હાલમાં સોશિયલ મીડિયાના ગ્રૂપો ક્ષત્રિયોના આંદોલનથી ભરાયેલા છે. હવે આ વિવાદનો ઉકેલ ન આવ્યો તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપ વિરોધી મતદાન થવાની પૂરી સંભાવના છે. સીઆર પાટીલ લોકસભામાં ૨૬માંથી ૨૬ બેઠકો જીતવા માટે ૫૦થી ૫૫ લાખ મત વધારવાનો ટાર્ગેટ મૂકી રહ્યાં છે પણ આ આંદોલન સરકારના હાથમાંથી નીકળી ગયું તો અંદાજિત ૫૦ લાખ વોટનો ભાજપને ફટકો પડશે. ભાજપે લોકસભામાં ૨.૩૦ કરોડ મતનો ટાર્ગેટ મૂક્યો છે. ગત વિધાનસભામાં ભાજપને ૧.૬૭ કરોડ, આપને ૪૦ લાખ અને કોંગ્રેસને ૮૦ લાખ મત મળ્યા હતા. ક્ષત્રિયો ભાજપની કમિટેડ વોટબેંક ગણાય છે. જાે ગુજરાતના ક્ષત્રિય સમાજના ૭૫ લાખમાંથી ૫૦ લાખ મતો પણ ભાજપ વિરોધી પડ્યા તો કોંગ્રેસ અને આપના ગઠબંધન વચ્ચે આ આંકડો ભાજપની નજીક પહોંચી જશે.
એ યાદ રાખવું જરૂરી છે કે વિધાનસભામાં મતદાન એ હંમેશાં ઓછું રહેતું હોય છે. આમ છતાં ભાજપને ૨૬માંથી કોઈ પણ બેઠકમાં હરાવવા માટે ક્ષત્રિયો પાસે પૂરતી વોટબેંક નથી એ કડવી વાસ્તવિકતા પણ છે એટલે જ ભાજપ કોઈ પણ સંજાેગોમાં ઝૂકવાના મૂડમાં નથી. ગુજરાતની ૨૬ લોકસભાની બેઠકો પર પાટીદાર સમાજનો દબદબો છે. પાટીદાર આંદોલન બાદ કેટલાક પાટીદારો ભાજપથી વિમુખ થઈ જતાં ભાજપને અપેક્ષા છે કે ક્ષત્રિય આંદોલનને પગલે લેઉવા અને કડવા મતબેંક ફરી એક થઈ જશે અને ભાજપના હાથ મજબૂત થશે.
જે માટે ભાજપ ક્ષત્રિય આંદોલનને મહત્વ આપી રહી નથી. હાઈકમાન્ડમાંથી સૂચના છે કે રૂપાલાની ટિકિટ નહીં કપાય ભલે કોઈ પણ સમાજ નારાજ થાય…હવે સ્થિતિ એવી છે કે પાટીદારોને નજીક લાવવામાં ભાજપ ક્ષત્રિયોની કમિટેડ વોટબેંકને નજર અંદાજ કરી રહી છે. હાલમાં આ આંદોલન ગુજરાત પુરતું છે પણ આ આંદોલન વકર્યું તો દેશના ૨૨ કરોડ ક્ષત્રિયોને સીધી અસર કરશે. ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતની ખેડા, આણંદ પર ક્ષત્રિય અને ઠાકોર સમાજનું વર્ચસ્વ છે. આ સિવાય ગુજરાતની ૫ બેઠકો પર ક્ષત્રિય સમાજના ૫થી લઈને ૧૫ ટકા મતો છે. ગુજરાતમાં વિકાસના રાજકારણને બદલે હાલમાં ક્ષાતિવાદનું રાજકારણ હાવી થઈ રહ્યું છે. રાજ્યમાં પાટીદાર સમાજ એ ૧૭ ટકા મતો સાથે સૌથી પાવરફૂલ સમાજ છે.
રૂપાલા એ કડવા પાટીદાર છે. ભાજપને ડર છે કે રૂપાલાને હટાવવા જતાં પાટીદાર સમાજ નારાજ થશે. હાલમાં ચાલતું આંદોલન એ ફક્ત ગરાસિયા સુધી જ સીમિત છે. ગુજરાતમાં રાજપૂત સમાજની વાત કરીએ તો કારડિયા રાજપૂતોની સંખ્યા ભાવનગર, અમરેલીથી લઈને સૌરાષ્ટ્રમાં છે. કાઠી દરબારો એ જસદણથી લઈને વીંછિયા સુધી છે. નાડોદા રાજપૂત સમાજ એ વઢિયાળ પ્રાંતમાં વિરમગામથી લઈને પાટણ સુધી ફેલાયેલો છે. પાટણમાં પાલવી ઠાકોરથી લઈને મધ્યમાં બારૈયાનો દબદબો છે. હાલમાં આ આંદોલન ફક્ત ગરાસિયા સમાજ પૂરતું મર્યાદિત છે. જાે ગુજરાતમાં સમગ્ર રાજપૂત સમાજ એક થાય તો ભાજપને ભારે પડી શકે છે.
ગુજરાતના દરેક જિલ્લામાં ૧૦થી ૧૫ હજારથી લઈને ૪૦થી ૫૦ હજાર વોટબેંક ક્ષત્રિય સમાજની છે. હાલમાં ચાલી રહેલા આંદોલનમાં કેટલાક રાજપૂત સમાજ હજુ સક્રિય નથી. જેઓ ભાજપ સાથે જાેડાયેલા છે. આ આંદોલન એમની સુધી પહોંચ્યું પણ નથી, જાે હાલની સંકલન સમિતી દરેક રાજપૂત સમાજના મોભીઓ સુધી પહોંચી અને આંદોલનને જગાડે તો આગામી લોકસભામાં મોટા સમીકરણો બદલાઈ શકે છે. પાટીદાર સમાજની વાત કરીએ તો આ સમાજનો દબદબો ૧૨ બેઠકો પર છે પણ ૧૪ લોકસભા પર એમની વસતી જૂજ છે જે હાર જીતના સમીકરણો બદલી શકતી નથી ત્યાં બીજા સમાજનું પ્રભુત્વ છે.
Recent Comments