• “ગુજરાતમાં ખેડૂતોની પનોતી બેઠી છે” પહેલા અતિવૃષ્ટિ પછી વાવાઝોડું અને હવે કમોસમી વરસાદના કારણે ખેડૂત બરબાદ થયો
· “ગુજરાતમાં ખેડૂતોની પનોતી બેઠી છે” પહેલા અતિવૃષ્ટિ પછી વાવાઝોડું અને હવે કમોસમી વરસાદના કારણે ખેડૂત બરબાદ થયો :- અમિત ચાવડા
· સરકાર ૧૦ દિવસમાં સર્વે પૂરો કરી ખેડૂતોને ખરેખર થયેલ નુકસાની જેટલું વળતર આપે:- અમિત ચાવડા
· માવઠાના કારણે મોટા પ્રમાણમાં પશુધનને પણ નુકસાન થયું છે તેનો સર્વે કરીને બજાર કિંમત મુજબ પશુપાલક પશુ ખરીદી શકે એટલી રકમ નક્કી કરી પશુના મૃત્યુનું પણ વળતર ચુકવવામાં આવે
:- અમિત ચાવડા
· વારંવારની કુદરતી આપદાઓથી ખેતીને થતા નુકસાન, ખેડૂતની આર્થીક પાયમાલી માટે સુરક્ષા-કવચ મળે તે માટે રાજ્ય સરકાર પાક વીમા યોજના ચાલુ કરે :- અમિત ચાવડા
· વીજળી પડવાથી મૃત્યુ પામેલના પરિવારને ૧૦ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે:- અમિત ચાવડા
આજરોજ પ્રેસ વાર્તામાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે રીતની ખેડૂતો અને ખેતીની સ્થિતિ છે એ જોતા એટલું સ્પષ્ટ રીતે કહી શકાય કે ગુજરાતના ખેડૂતોના માથે પનોતી છે. પહેલા અતિભારે વરસાદ ત્યાર પછી બિપોરજોય વાવાઝોડું અને હવે કરા સાથે, પવન સાથે કમોસમી વરસાદથી ખેતી અને ખેડૂતો બરબાદ થઇ ગયા છે, દેવાદાર બની રહ્યા છે. ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવા ભાષણો અને વાયદાઓતો થયા પણ વાયદાઓ તો પુરા ના થયા પણ ખેડૂતો આર્થિક રીતે દેવાદાર ચોક્કસ ગુજરાતમાં બન્યા છે.
આર્થિક બરબાદીની સાથે અત્યારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો એના કારણે આર્થિક બરબાદી તો થઇ મોટા પ્રમાણમાં ગુજરાતમાં જાનહાની પણ થઇ છે. લગભગ ૨૫ કરતા વધારે લોકોના વીજળી પડવાથી મૃત્યુ થયા છે, અનેક લોકો ઘાયલ થયા છે, પશુઓ પણ મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યા છે. ઉત્તર ગુજરાતમાં ૭ વર્ષની બાળકીથી લઇ ૭૦ વર્ષના વૃદ્ધ જે ખેતી કામ સાથે જોડાયેલા હતા, ખેતરમાં કામ કરતા હતા તેમના મૃત્યુ થયા છે. સરકારમાં છેલ્લા ૬ મહિનાના જે આંકડા બહાર આવ્યા છે. ગુજરાતમાં અતિવૃષ્ટિ થઇ હોય, ભારે વરસાદ થયો હોય કે કુદરતી હોનારતો થઇ હોય તેમાં ૧૦૦ કરતા વધારે લોકોના મૃત્યુ થયા છે.
ઉત્તર ગુજરાતમાં પવન સાથે જે કરા પડ્યા અને વરસાદ પડ્યો જેનાથી એરંડાના ઉભા પાક તથા અનેક જગ્યાએ જીરૂની વાવણીને પણ અસર થઇ, રાયડાના પાકને પણ ખુબ મોટા પ્રમાણ માં નુકસાન થયું છે, સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ કપાસની છેલ્લી વાવણીઓની શરૂઆત હતી જેમાં વરસાદ અને પવનને કારણે મોટું નુકસાન થયું. સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારોમાં પવન અને કરા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને ખુબ મોટું આર્થિક નુકસાન થયું છે. એકબાજુ મોંઘુ બિયારણ, મોંઘુ ખાતર, મોંઘી વીજળી, મોંઘુ પાણી હોય, અને પાછો ઉત્પાદનમાં પુરતો બજાર ભાવ પણ ન મળવાથી પહેલેથી જ ખેડૂત દુઃખી હતો અને પડ્યા પર પાટું જેવી પરીસ્થિતિ આ ગુજરાત સરકારે ઉભી કરી છે. જયારે પણ ગુજરાતમાં કોઈ કુદરતી આફતો આવે ત્યારે સરકાર સહાયની, વળતરની જાહેરાતો ખુબ મોટી કરે છે. પરંતુ ચુકવણી યોગ્ય રીતે થતી નથી.
ગત ચોમાસામાં જે અતિવૃષ્ટિ થઇ તેમાં જુનાગઢ અને એની આજુબાજુના અનેક વિસ્તારોમાં ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, સરકારે મોટા મોટા પેકેજ પણ જાહેર કર્યા પણ આજદિન સુધી એમાંથી કોઈને પણ સહાય મળી નથી એજ રીતે બિપોરજોય વાવાઝોડું આવ્યું એમાં પણ ખુબ તબાહી થઇ, નુકસાન થયું એમને સહાયની જાહેરાતો તો થઇ પણ આજદિન સુધી કેટલાને સહાય અપાઈ એનો જવાબ પણ સરકારે આપવો પડશે. જ્યારે આવી કોઈ અતિવૃષ્ટિ થાય કે કુદરતી આફતો આવે ત્યારે સરકાર એસ.ડી.આર.એફ. કે એન.ડી.આર.એફ.માંથી સહાયની જાહેરાતો તો કરી દે છે, પેકેજો બહાર પાડે છે પણ સાચા અર્થમાં ખેડૂતોને, લોકોને નુકસાન થાય છે તે મુજબનું વળતર મળતું નથી. ગુજરાતમાં આજે એવી કોઈ પાક વિમાની યોજના નથી કે ખેડૂતોને કોઈ કુદરતી આફતથી નુકસાન થાય તો એને પૂરેપૂરું વળતર મળે કારણ કે જે પેકેજો જાહેર થાય છે, એન.ડી.આર.એફ. કે એસ.ડી.આર.એફ. ના જે ધોરણો છે તે ખરા અર્થમાં જર નુકસાની થાય છે તે મુજબની સહાય નથી મળતી પણ ટોકન સહાય મળે છે.
પ્રધાનમંત્રી ફસલ વિમાની ખુબ મોટી જાહેરાતો થઇ ૨૦૧૬-૧૭ થી શરુ કરીને દર વર્ષે સરકારે હજારો કરોડ રૂપિયાનું પ્રીમીયમ પણ ચુકવ્યું, આજે જે આંકડાઓ છે ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ આ બધા જ વર્ષના સરકારે જે પ્રાઈવેટ વીમા કંપનીઓને પ્રીમીયમ ચુકવ્યું એના આંકડા જોઈએ તો લગભગ દર વર્ષે ૪ હજાર કરતા વધારેની રકમ રાજ્ય સરકારે પ્રીમીયમ પેટે સરકારે વીમા કંપનીઓને ચૂકવી. ૨૦૨૦ માં આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી દેવામાં આવી. આજદિન સુધી બીજી કોઈ વીમા યોજના સરકારે ચાલુ કરી નથી અને બીજી બાજુ મુખ્યમંત્રી કિસાન સમૃદ્ધિ યોજનાની જાહેરાતો થઇ પણ સરકાર જણાવે કે આ યોજનામાં કેટલા ખેડૂતોને લાભ થયો, કેટલી રકમનો લાભ આપ્યો એ કોઈ આંકડા સરકાર બહાર પડી શકે તેમ નથી કારણ કે કોઈને પણ લાભ નથી મળ્યો, એવા સંજોગોમાં આજે જયારે ખેડૂતોને કોઈપણ રીતે નુકસાન થાય તેના પાકનું કોઈ વીમા રક્ષણ ના હોય, કોઈ કવચ ના હોય અને જયારે કુદરતી આફતો આવે છે ત્યારે ખેડૂતોને આપઘાત સિવાય કોઈ રસ્તો બચતો નથી. એટલા માટે ખાસ સરકાર પાસે અમારી માંગણી છે કે જે પ્રાઈવેટ વીમા કંપનીઓને હજારો કરોડ રૂપિયાનું પ્રીમીયમ ચુકવતા હતા તો તેટલી જ રકમ સરકાર કેમ ખેડૂતોને સીધી મળતી નથી? ખેડૂતોનો પાક બરબાદ થાય છે, ખેડૂત બરબાદ થાય છે, તો એને કાયમી રક્ષણ મળે કવચ મળે એટલા માટે રાજ્ય સરકાર તાત્કાલિક પોતાના બજેટમાંથી જોગવાઈ કરી અને કૃષિ વિભાગ હસ્તક પાક વીમા યોજનાની શરૂઆત કરે. જયારે આવી કુદરતી આફતો આવે અને ખેડૂતોને નુકસાન થાય તો એને કોઈ સહાય કે પેકેજની રાહ જોયા વગર એણે જે પાક વીમો લીધો છે એનું એને પૂરેપૂરું વળતર મળી રહે એ માટે રાજ્ય સરકાર કૃષિ વિભાગ હસ્તક પાક વીમા યોજનાની શરૂઆત કરે એવી માંગણી કરીએ છીએ.
ગત વર્ષે અતિવૃષ્ટિનો વિમાની સર્વે કર્યા પછી પણ એની સહાય આજદિન સુધી ખેડૂતોને મળી નથી. આથી માંગણી કરવામાં આવે છે કે તાત્કાલિક એક ચોક્કસ સમય મર્યાદામાં આખું તંત્ર કામે લાગે, જે નુકસાન થયું છે અને ખેડૂતો બરબાદ થયા છે એનો સર્વે ૧૦ દિવસમાં પૂરો કરવામાં આવે અને ઉચક રકમો નહિ પણ જેટલી નુકસાની થઇ છે એ એક્ચુઅલ નુકસાનીનું પૂરેપૂરું વળતર ખેડૂતોને મળવું જોઈએ એવી માંગણી કરીએ છીએ. મોટા પ્રમાણમાં પશુધનને પણ નુકસાન થયું છે એનું પણ સર્વે કરીને બજાર કિંમત મુજબ પશુપાલક પશુ ખરીદી શકે એટલી રકમ નક્કી કરી પશુના મૃત્યુનું પણ વળતર ચુકવવામાં આવે. ૨૫ કરતા વધુ લોકોનું વીજળી પડવાથી મૃત્યુ થયા છે એમને સરકાર સંવેદનશીલતા રાખી ૪ લાખને બદલે ૧૦ લાખ રૂપિયાની સહાય મૃતકના પરિવારોને સહાય આપે તેવી પણ માંગણી કરવામાં આવે છે. અને ખાસ કરીને વારંવાર જે ખેડૂતોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એમાંથી રક્ષણ મળે અને કાયમી આ પ્રશ્નનું નિરાકરણ થાય, ખેડૂતોને સથવારો મળી રહે અને ખેડૂતોને આવી પરિસ્થિતિમાં કોઈ આશંકા આ રહે મારો પાક નિષ્ફળ થશે કે મારું મૂડી રોકાણ કે મારા પરિવારની જે અપેક્ષા છે એ ધૂળધાણી ન થઇ જાય એટલા માટે રાજ્ય સરકાર કૃષિ વિભાગ હસ્તક પાક વીમા યોજનાની શરૂઆત કરે તેવી માંગણી કરીએ છીએ.
Recent Comments