ગુજરાતમાં ચૂંટણી ટાણે વડોદરાના હાલોલ રોડ પર એલસીબીએ ૨૫.૬૮ લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો
કહેવાતી દારૂની બંધી વચ્ચે ગુજરાતમાં પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનું નેટવર્ક વ્યવસ્થિત ચાલી રહ્યું છે. હાલ ગુજરાતમાં ચૂંટણી હોવાથી બૂટલેગરો અને દારૂના ઠેકેદારો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા સક્રિય થઇ ગયા છે. જાે કે, પોલીસ તંત્ર પણ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલા દારૂના નેટવર્કને તોડવા માટે એલર્ટ થઇ ગઇ છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ચણાના છોતરાની આડમાં વડોદરા તરફ આવી રહેલો રૂપિયા ૨૫.૬૮ લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડી બૂટલેગરોનો દારૂ ઘૂસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી હોવાથી જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ વડોદરા-હાલોલ રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ, સિધ્ધરાજસિંહ શક્તિસિંહને ગોધરા તરફથી વિદેશી દારુનો જથ્થો ભરેલી ટ્રક પસાર થવાની છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બાતમી મળતા જ એલ.સી.બી.ની ટીમ આમલીયારા બસ સ્ટેન્ડ પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા જ પોલીસે ટ્રકને રોકી હતી અને ટ્રકમાં તપાસ કરતા ચણાના છોતરા જણાઇ આવ્યા હતા. પોલીસે વધુ તપાસ કરતા પોલીસને વિદેશી દારુની ૪૨૮ પેટી મળી આવી હતી. પોલીસે દારૂનો મોટો જથ્થો જાેતા ચોંકી ઉઠી હતી.
ટ્રકમાં દારૂનો જથ્થો લઇને આવી રહેલા ટ્રકચાલક પ્રકાશ લાધુરામ બિશ્નોઇ રહે વાડાનયા તા.બાગોડ જી.ઝાલોર (રાજસ્થાન)ની અટકાયત કરી લીધી હતી. પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, આ વિદેશી દારૂના જથ્થા અંગે ટ્રકચાલક પ્રકાશ બિશ્નોઇની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેના શેઠ કાલુભાઇ (રહે. હરીયાણા)એ હિસ્સાર ખાતેથી આપ્યો હતો. ગુજરાતના જામનગર પહોંચીને શેઠ કાલુને ફોન કરવાનો હતો. તેઓ ત્યાંથી સુચના આપે ત્યાં લઇ જવાનો હતો.
આ બનાવ અંગે જરોદ પોલીસ મથકમાં પ્રકાશ બિશ્નોઇ અને દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના કાલુ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે રૂપિયા ૨૫,૬૮,૦૦૦ની કિંમતનો ભારતીય બનાવટની દારૂ ભરેલી ૪૨૮ નંગ પેટી, મોબાઇલ ફોન, ટ્રક મળી કુલ રૂપિયા ૩૫,૦૬,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે ટ્રકચાલક પ્રકાશ બિશ્નોઇની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં ચૂંટણી ટાણે વડોદરા-હાલોલ રોડ ઉપર આમલીયારા ગામ પાસેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.
Recent Comments