fbpx
ગુજરાત

ગુજરાતમાં ટેન્કર આધારિત ગામોમાં સૌથી વધુ કચ્છમાં પીવાના પાણીની સમસ્યા : ૧૦૦ ટકા નળ જોડાણ હોવા છતાં પાણી ગાયબ!!

એક બાજુ ઉનાળાની હજુ શરૂઆત થઇ છે . તો બીજીબાજુ કચ્છમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઇ ગઇ છે . સરકારી તંત્ર ભલે કચ્છમાં નલ સે જલ યોજના હેઠળ ૧૦૦ ટકા કામગીરી થઇ ગઇ હોવાનું કહે છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર રાજ્યમાં સૌથી વધારે ટેન્કર આધારીત ગામોની સંખ્યામાં કચ્છ મોખરે છે . કચ્છમાં હાલ દૈનિક ૧૮ થી ૨૦ ગામોમાં ટેન્કર વડે પાણી આપવામાં આવી રહ્યું છે . આ અંગે મળતી વિગતો મુજબ તાજેતરમાં જ કચ્છને નલ સે જલ યોજના હેઠળ ૧૦૦ ટકા કામગીરી ધરાવતો જિલ્લો જાહેર કરાયો છે . પરંતુ જિલ્લાના અનેક ગામોમાં આ નળ લોકોને પીવાનું પાણી આપી રહ્યા નથી . મહિલાઓને દૂર – દૂર પાણી ભરવા અથવા ટેન્કરોની રાહ જોવી પડે છે . ખૂદ સરકાર સ્વિકારે છે કે કચ્છમાં હાલ ૧૮ થી ૨૦ ગામોમાં ટેન્કર વડે પાણી આપવામાં આવી રહ્યું છે . તા . ૧૬ માર્ચની વાત કરવામાં આવે તો રાજ્યના કુલ ૨૭ ગામોમાં ટેન્કર વડે પાણી આપવામાં આવ્યું હતું . જે પૈકી એકલા કચ્છના ૧૯ ગામોનો સમાવેશ થાય છે . શિયાળામાં કચ્છના ત્રણથી પાંચ ગામોમાં ટેન્કર વડે પાણી પહોંચતું હતું . આમ ઉનાળામાં ટેન્કર આધારીત ગામોની સંખ્યા વધી ગઇ છે . પાવરપટ્ટીના બિબ્બર ગ્રામ પંચાયત હેઠળ આવતા અમરગઢ ( મફત નગર ) ગામે પીવાની પાણીની તંગી ઊભી થઇ છે . અહીં પાણી પુરવઠા વિભાગ દ્વારા ક્યારેક ૧૦ દિવસે તો ક્યારેક ૧૫ દિવસે અપાય છે . લોકો પાસે પાણી સંગ્રહની વ્યવસ્થા નથી . ખેતીવાડી અને પશુધન વ્યવસાય સાથે કાર્યરત આ પંથકના લોકો દિવસે કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળી જાય છે અને સાંજે પરત ફરે છે . પાણીની તંગીના કારણે મહિલાઓને ઘરે રોકવું પડે છે . ગ્રામના હનુમાન મંદિર પાસે આવેલા એક માત્ર નળ દ્વારા પાણી મળે છે ! જે અનિયમિત અને ઓછું હોય છે . ગામમાં આવી રીતે મહિલાઓ બેડા લઈ નળ વાટે પાણી ભરવા માટે લાઇનમાં ઊભે છે .

Follow Me:

Related Posts