ગુજરાત

ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરતી સરકાર નિષ્ફળ, ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના પ્રહાર

ગુજરાતમાં દારૂબંધીને લઇને ફરી એક વખત ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પ્રહાર કર્યા છે. અલ્પેશ ઠાકોરે દારૂબંધીને લઇને કહ્યુ કે સરકાર નિષ્ફળ ગઇ છે. દારૂબંધીને લઇને મોટી મોટી વાતો જ કરે છે. મહત્વપૂર્ણ છે કે અલ્પેશ ઠાકોર ગુજરાતમાં ખુલ્લેઆમ પોલીસની રહેમ નજર હેઠળ વેચાતા દારૂને લઇને અવાર નવાર અવાજ ઉઠાવતા રહ્યા છે.

રાજ્યમાં દારૂબંધી અંગે આ પહેલા પણ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે ગુજરાતમાં દારૂ વેચાય તે દુખદ બાબત છે. રાજ્યમાં દારૂ ના વેચાય તે માટે અધિકારી જ નહી પણ રાજકીય નેતાઓ પણ જવાબદાર છે. આ માટે સામાજિક સંસ્થાઓએ આગળ આવવુ જોઇએ. મહત્વપૂર્ણ છે કે ખેડા જિલ્લાના માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની દારૂ અને જુગાર રમવા મામલે હાલોલ કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી છે અને 4 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

રાધનપુરથી જ ચૂંટણી લડીશ- અલ્પેશ ઠાકોર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાને 6 મહિના જેટલો સમય બાકી છે. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે 2022ની વિધાનસભા ચૂંટણી હું રાધનપુરથી જ લડીશ. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, 2022 માટે હું રાધનપુરથી જ ટિકિટ લઇને આવુ છુ. અહી છેલ્લા ત્રણ વર્ષથી વિકાસ અટકી ગયો છે. ઠાકોર સમાજના  સમૂહ લગ્નમાં અલ્પેશ ઠાકોરે કહ્યુ કે રાધનપુરના મતદારોએ મને પ્રેમ આપ્યો છે તેમણે નોંધારા નહી છોડુ. હું રાધનપુરથી ચૂંટણી લડીશ અને મેણુ ભાગીને જ રહીશ.

અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી

અલ્પેશ ઠાકોર 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા અને રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. 2019માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. પેટા ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને 3500 વોટથી તેમનો પરાજય થયો હતો.

Related Posts