ગત વર્ષે ૫૮ રૂપિયામાં ખરીદાયેલા કાગળ આ વર્ષે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ૮૮ રૂપિયામાં ખરીદી કરાઈ છે. ગત વર્ષ કરતા પેપર ખરીદીમાં આ વર્ષે ૫૨% ભાવ વધારા સાથે ખરીદી કરાતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. ગુજરાત બુક સેલર્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ નરેશ શાહ દ્વારા ૫૦ કરોડના કૌભાંડનો આક્ષેપ કરાયો છે. નરેશ શાહે જણાવ્યું છે કે પાઠ્યપુસ્તક મંડળના નિયામક જુલાઈ મહિનામાં નિવૃત્ત થઇ રહ્યા છે એ પહેલાં જ ૨૬૦ કરોડ રૂપિયાના કાગળની ખરીદી કરીને મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. નરેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સી ગ્રેડ પેપર મિલ ૬૮ રૂપિયાના ભાવે ખરીદ્યો છે, જ્યારે બે મહિના બાદ ૨૦ રૂપિયા વધુ એટલે કે ૮૮ રૂપિયાના ભાવે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પેપરની ખરીદી કરાઈ છે. નિયમ મુજબ ૭૫ દિવસમાં ૧૨ હજાર ટન કાગળની ખરીદી કરવાનો નિયમ છે,
જેણે નેવે મૂકીને પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એક સાથે જ ૩૦,૦૦૦ ટન પેપરની ખરીદી કરાઈ છે. ભૂતકાળમાં જરૂર મુજબ નિયામકો દ્વારા પેપરની ખરીદી કરાતી હતી, પરંતુ એક સાથે ૩૦ હજાર ટન પેપરની ખરીદી કરીને ૫૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ થતા ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે. ટેન્ડર કરી ૮૮ રૂપિયાના ભાવે સી ગ્રેડ પેપર મિલની ખરીદી કરાઈ છે, જ્યારે લોકલ માર્કેટમાં એ ગ્રેડ પેપર મીલનો ભાવ ૮૦ રૂપિયાની આસપાસ હોવાનો દાવો કરાયો છે. નીચી ગુણવત્તાના કાગળનો ભાવ ઊંચો આપી પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.રાજ્યમાં આજકાલ દરેક યોજના હોય કે કંઈ પણ વાત હોય તેમાં ભ્રષ્ટાચાર-કૌભાંડ જેવા શબ્દો સાંભળવા ન મળે તો નવાઈ લાગે છે. હાલ પાઠ્યપુસ્તક માટે પેપરની ખરીદીમાં કૌભાંડનો આક્ષેપ થયો છે. ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ૨૬૦ કરોડ રૂપિયાના ખર્ચે પાઠ્યપુસ્તક માટે પેપરની ખરીદી કરાઈ હતી. જેમાં ૩૦,૦૦૦ ટન પેપરની ખરીદી કરાતા કરોડોના કૌભાંડનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે. ૧ કિલો પેપરની ખરીદી ટેન્ડરના માધ્યમથી ૮૮ રૂપિયે કરાતા વિવાદ સર્જાયો છે.
Recent Comments