ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પહેલા ક્વાર્ટરમાં વિદેશી મૂડીરોકાણમાં ગુજરાતને મોટો ફટકો પડ્યો છે. એપ્રિલથી જૂન મહિના દરમિયાન ગુજરાતમાં માત્ર રૂ. ૫૬૭૬ કરોડ વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. સૌથી વધુ મૂડીરોકાણ કર્ણાટકમાં રૂ. ૬૨ હજાર કરોડ જ્યારે બીજા નંબરે મહારાષ્ટ્રમાં રૂ. ૩૦ હજાર કરોડ આવ્યું છે. દિલ્હીમાં રૂ. ૧૪૩૭૩ કરોડ મૂડીરોકાણ આવ્યું છે. એ પછી ગુજરાતનો નંબર આવે છે. એપ્રિલથી જૂન સુધી દેશમાં કુલ ૧.૨૯ લાખ કરોડ મૂડીરોકાણ આવ્યું છે. રાજ્યમાં વર્ષ ૨૦૦૦થી અત્યારસુધી ૩.૨૮ લાખ કરોડ વિદેશી રોકાણ આવી ચૂક્યું છે, જેમાંથી ૧.૮૭ લાખ કરોડ ઓક્ટોબર ૨૦૧૯થી જૂન ૨૦૨૧ સુધી આવ્યું છે, જે કુલ મૂડીરોકાણના ૫૭ ટકા થાય છે.હાલમાં ચાલી રહેલી લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં ૧૦ હજાર જેટલી જગ્યાઓ માટે ૯.૪૬ લાખ ઉમેદવારો મેદાનમાં છે. કુલ ૧૨ લાખ અરજી આવી હતી, એટલે કે લોકરક્ષકની એક જગ્યા માટે ૯૫ ઉમેદવારો એકબીજા સાથે ટકરાશે. સરકારના દાવા મુજબ, આર્થિક રીતે મહત્ત્વ ધરાવતાં રાજ્યોમાં ગુજરાત સૌથી નીચો બેરોજગારી દર ધરાવે છે.
સોશિયો ઇકોનોમિક રિવ્યૂ મજબ, ૨૦૧૮માં રોજગાર કચેરીઓમાં ૪.૬૮ લાખ ઉમેદવાર નોંધાયા હતા, જેની સામે ૩.૭૯ લાખ ઉમેદવારને રોજગારી આપવામાં આવી હતી. ૨૦૧૯માં ઓક્ટોબર સુધી ૪.૫૩ લાખ બેરોજગારે પોતાની નોંધણી કરાવી હતી, જેમાં ૪.૩૦ લાખ શિક્ષિત અને ૨૩ હજાર અશિક્ષિત હતા. શિક્ષિત બેરોજગારોમાંથી ૧.૧૧ લાખ ગ્રેજ્યુએટ સામેલ છે. ૨૦૦૩થી ૨૦૧૯ની વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કુલ ૧૦૪૮૭૨ પ્રોજેકેટ્સ રોકાણના ઇરાદે ફાઇલ કરવામાં આવ્યા હતા. ૨૦૨૦ની ૩૧મી ડિસેમ્બર સુધી, ૬૦૭૪૧ પ્રોજેક્ટસ પૂર્ણ થઇ ગયા છે અને ૯૪૬૭ પ્રોજેક્ટ્સમાં કામગીરી ચાલી રહી છે. ૨૦૧૭ સુધી ૮ સીઝનમાં કુલ ૭૬૫૧૨ પ્રોજેક્ટ્સ માટે એમ.ઓ.યુ. થયા હતા. કુલ ૧૭ લાખ નોકરીઓ આ પ્રોજેક્ટ્સ દ્વારા જનરેટ કરવામાં આવી છે.કોરોનાને કારણે ગત જાન્યુઆરીમાં સ્થગિત કરાયેલી વાઇબ્રન્ટ સમિટ આગામી ૧૦-૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ સીઝનની ટેગલાઇન ‘વેલકમ ટુ ગુજરાત, વેલકમ ટુ ગ્રોથ’ નક્કી થઈ ગઈ છે. વાઇબ્રન્ટ સમિટની કુલ ૯ સીઝનમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ દ્વારા અંદાજે ૨૦ લાખ રોજગારીનું સર્જન કરવામાં આવ્યું હોવાનું સરકારી આંકડાઓ કહે છે.
જાેકે અન્ય સરકારી આંકડા મુજબ રાજ્યમાં ૪.૩૦ લાખ શિક્ષિત બેરોજગારો છે. હાલમાં ચાલી રહેલી એલઆરડીની ભરતી પ્રક્રિયામાં ૧ જગ્યા માટે ૯૫ ઉમેદવાર મેદાનમાં છે. વાઇબ્રન્ટ સમિટની તૈયારીના ભાગરૂપ ૨૫મી નવેમ્બરે પ્રથમ રોડ-શો દિલ્હીમાં યોજાશે. આ સાથે દિલ્હી સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, તેલંગણા, પશ્વિમ બંગાળમાં એમ ૬ રાજયમાં વાઇબ્રન્ટ ગુજરાતના માર્કેટિંગ માટે રોડ-શૉ યોજાશે. વિશ્વભરની ગ્લોબલ કંપનીઓ ગુજરાત આવે તેટલા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રસ દાખવી રહ્યા હોવાનું સત્તાવાર સૂત્રોનું કહેવું છે. રાજય સરકાર દ્વારા ૧૦મી વાબ્રિન્ટ સમિટની જાેરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકાર માટે પણ ગુજરાત મોડલ સ્ટેટ હોવાથી વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનમાં કોઇ કચાશ રહી જાય નહીં એની તકેદારી રાખવામાં આવી રહી છે. વિશ્વના નામાંકિત ઉદ્યોગકારોને આકર્ષવા માટે કેન્દ્ર સરકાર પણ રસ લઇ રહી છે. સમિટમાં ભાગ લેવા માટે આશરે ૨૦૦ ગ્લોબલ કંપનીઓ આવે એવું આયોજન છે. આ માટે કંપનીઓને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યા છે. આ સાથે અન્ય રાજ્યમાં રોડ-શો કરવા માટે દિવાળી પછી અધિકારીઓને ૬ રાજ્યની મુલાકાતે મોકલવામાં આવ્યા છે. જે-તે રાજ્યમાં રોડ-શોની તૈયારી માટે અધિકારીઓ ઉદ્યોગકારો અને વહીવટી તંત્ર સાથે બેઠક યોજી રહ્યા છે.
Recent Comments