ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને મિશન ૨૦૨૪નો કર્યો પ્રારંભ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પણ નવો રેકોર્ડ સ્થાપિત કરવા માંગે છે. ગુજરાતની ૨૬ માંથી ૨૬ લોકસભા બેઠકો જીતવાની હેટ્રિક પોતાના નામે કરવા માંગે છે તો સાથે જ લોકસભાની ચૂંટણીમાં ૨૬એ ૨૬ બેઠકો પર વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવાનો લક્ષ્યાંક પણ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલે રાખેલો છે. તે જ અંતર્ગત હવે સરકાર અને સંગઠન રાજ્યના ૩૩ જિલ્લાઓનો પ્રવાસ કરશે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલે વિધાનસભાની ચૂંટણી પૂર્વે વન-ડે વન ડિસ્ટ્રિક કાર્યક્રમ પ્રારંભ કર્યો હતો. જેનું પરિણામ ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારું મળ્યું હતું. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તમામે તમામ ૩૩ જિલ્લાઓમાં સરકાર અને સંગઠન એમ બંનેના વડાનો વન-ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ પ્રારંભ કરી દીધો છે.
તેના જ ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગત રવિવારે વડોદરા શહેર અને જિલ્લાના એક દિવસના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંગઠનના જુદા જુદા હોદ્દેદારો એટલે કે, જિલ્લાના પ્રમુખ મહામંત્રી કાર્યકરો સહકારી આગેવાનો તે ઉપરાંત શહેરના પ્રમુખ મહામંત્રી કાર્યકરો અને સહકારી આગેવાનો સાથે બેઠકો કરી હતી. સરકારને લગતા જુદા જુદા પ્રશ્નો અંગે પણ આ બેઠકોમાં ચર્ચા કરવામાં આવી હતી. તો આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ વડોદરા શહેર અને જિલ્લાના પ્રવાસે ગયેલા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ગઈકાલે વડોદરા શહેર અને જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક કરી વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લાની તમામ બેઠકો ૭૫ હજારથી વધુની લીડ સાથે જીતવા બદલ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. તો સાથે જ લોકસભાની ચૂંટણી માટે બુથ સશક્તિકરણ કાર્યક્રમને મજબૂતાઈથી કામ કરવા આહવાન કર્યું હતું.
મધ્ય ગુજરાતથી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ પોતાના આ મહત્વના કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. વડોદરાએ મધ્ય ગુજરાતનું પાટનગર માનવામાં આવે છે અને વડોદરાથી પ્રારંભ થયેલ આ કાર્યક્રમ સમગ્ર મધ્ય ઝોનની તમામ લોકસભા બેઠકોને અસર પણ કરશે અને તે માટે જ આ કાર્યક્રમનો પ્રારંભ વડોદરાથી કરવામાં આવેલો છે તે જ રીતે હવે તબક્કાવાર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ આ કાર્યક્રમમાં હાથ ધરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ એક દિવસ જે તે જિલ્લાની મુલાકાત લેશે અને કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરશે તો તે જ રીતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ જુદા જુદા ઝોનના જિલ્લાઓની એક દિવસની મુલાકાત લેશે અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી આગામી લોકસભાની ચૂંટણીનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.
Recent Comments