એક તરફ ગરમીમાં આકાશથી અગન જ્વાળાઓ વરસી રહી છે. તો એ જ સમયી બીજી તરફ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં આકાશથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આવા મિશ્ર વાતાવરણને કારણે રોગચાળાએ પણ માજા મુકી છે. ગુજરાતમાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લાં કેટલાંક દિવસોથી રોગચાળો વકર્યો છે. ખાસ કરીને શરદી-ઉધરસ-ખાંસી, ઝાડા-ઉલ્ટી, માથામાં દુખાવો, પેટમાં દુખાવો વગેરે કેસોમાં વધારો જાેવા મળી રહ્યો છે. સરકારી દવાખાનાઓમાં દર્દીઓની લાંબી કતારો જાેવા મળી રહી છે. જ્યારે પ્રાઈવેટ દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. ગુજરાતમાં અવાર-નવાર સર્જાઇ રહેલા માવઠાને સંકટને પગલે ડબલ સીઝન થઇ જતાં વાયરલ ફીવરના કેસમાં વધારો જાેવા મળ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતમાં સખત તાવના ૭૪૦૦થી વધુ ઈમરજન્સી કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. હાઇ ફીવરના માર્ચ મહિના દરમિયાન ૫૨૫૨ અને ૧૫ એપ્રિલ સુધી ૨૨૨૨ કોલ્સ ઈમરજન્સી સેવા ‘૧૦૮’ને આવ્યા હતા. જેની સરખામણીએ ગત વર્ષે માર્ચમાં ૨૦૪૬ અને ૧૫ એપ્રિલ સુધી ૧૧૧૨ એમ કુલ ૩૧૫૮ કોલ્સ આવ્યા હતા. આમ, ગત વર્ષના માર્ચ-એપ્રિલની સરખામણીએ હાઇ ફીવરના કેસમાં ૨૩૫ ટકા જેટલો વધારો થયો છે. બીજી તરફ અમદાવાદમાં માર્ચમાં ૧૧૦૨-૧૫ એપ્રિલ સુધી ૪૦૮ કોલ્સ હાઇ ફીવર કોલ્સ આવેલા છે. જેની સરખામણીએ ગત વર્ષે માર્ચથી ૧૫ એપ્રિલ દરમિયાન આવેલા કુલ કોલ્સનું પ્રમાણ ૫૮૯ હતું. ગુજરાતમાં આ વર્ષે ૧૫ એપ્રિલ સુધી પેટમાં દુઃખાવાના ૩૦૭૪, ઝાડા-ઉલ્ટીના ૨૨૩૬, હીટ સ્ટ્રોકના ૭, માથામાં સખત દુઃખાવાના ૨૨૦, અચાનક બેભાન થઇ જવાના ૨૬૬૨, હાઇ ફીવરના ૨૨૩૬ એમ કુલ ૧૧૦૭૩ કેસ નોંધાયા છે. જેની સરખામણીએ ગત વર્ષે ૧૫ એપ્રિલ સુધી આ પ્રકારના કુલ ૮૯૭૫ કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ કેસમાં ૨૩.૩૮ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં ગરમીને લગતી બિમારીના એપ્રિલમાં ૨૬૯૬ કેસ નોંધાયા છે જ્યારે ગત વર્ષે ૨૨૦૫ કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષ કરતાં ૨૨ ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં સતત વધી રહ્યાં છે તાવ, શરદી-ખાંસી અને ઝાડા-ઉલ્ટીના કેસ

Recent Comments