ગુજરાત

ગુજરાતમાં ૨ અલગ અલગ સ્થળોથી ડ્રગ્સ ઝડપાયુંકચ્છના જખૌ પાસેથી ફરી એક વાર ૧૦ પેકેટ ડ્રગ્સ મળ્યું

બીએસએફની તપાસ દરમિયાન જખૌ પાસેના ટાપુ પરથી આ ડ્રગ્સ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૮ દિવસથી બીએસએફ દ્વારા ટાપુઓ અને ક્રીક વિસ્તારમાં સર્ચ કરી રહ્યું છે. જેમાં ૮ દિવસમાં ડ્રગ્સના ૧૩૯ પેકેટ મળ્યા છે. રાજ્યમાં છાશવારે ડ્રગ્સ ઝડપાવાની ઘટના બને છે, ક્યારેક પોરબંદરના દરિયા કિનારેથી ડ્રગ્સ મળે છે, તો ક્યારેક દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળે છે. ત્યારે થોડા દિવસ અગાઉ ભુજના જખૌમાંથી ડ્રગ્સના ૨૭ શંકાસ્પદ પેકેટ મળ્યા હતા. બીએસએફ દ્વારા ૨ અલગ-અલગ જગ્યાએથી આ પેકેટ જપ્ત કર્યા હતા. જેમાં ૧૭ પેકેટની અંદર ૩ પીળા રંગની ટેબલેટ વાળા પેકેટ મળ્યા હતા.

તો બીજી તરફ આજે અમદાવાદમાંથી પણ ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ એક વખત વિદેશી પાર્સલો માંથી ડ્રગ્સ મળી આવ્યું છે. અગાઉ મળેલ પાર્સલ મામલે નબીરાઓની પુછપરછ દરમિયાન મળતી માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. જેમાં પોસ્ટ ઓફિસમાં આવેલા ૫૮ પાર્સલો મળી આવ્યા હતા. ૫૮ પાર્સલોમાંથી ૩.૫૦ કરોડની કિંમતનો ૧૧.૬૦૧ ગ્રામ હાઇબ્રીડ ગાંજો, વનસ્પતિ અને ૬૦ જેટલી લિક્વિડ ફોર્મમાં બોટલો પણ મળી આવી હતી. આ તમામ પાર્સલો યુએસએ કેનેડા અને યુકેથી અમદાવાદ પહોંચ્યા હતા. ગુજરાતમાં અમદાવાદ સુરત વડોદરા શહેરના નબીરાઓ ગાંજો મંગાવતા હતા. પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થો ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.

Related Posts